Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પાટીદાર આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ ગુજરાત પરત ફરી રહ્યો છે. 17 જાન્યુઆરીએ ગુજરાતમાં પુનરાગમન પછી તેનો શું કાર્યક્રમ રહેશે તે અંગે હાર્દિકે અંગ્રેજી અખબાર સાથે કરેલી વાતચીતના અંશો....

તમને ગુજરાતની બહાર છ મહિના રહેવાની શરતે જામીન અપાયા હતા, જાન્યુઆરીમાં તે પૂરા થશે પછી શું આયોજન છે ?

17 જાન્યુઆરીએ છ મહિના પુરા થાય છે. અમે 28 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં મોટી ખેડૂત રેલી યોજીશું. તેના માટે પુરજોશમાં તૈયારી ચાલુ છે.તે વખતે હું મોટો ધડાકો કરીશ.

વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે તમે રેલી યોજી રહ્યા છો. રાજ્યમાં તમે સત્તા-પરિવર્તન થાય તેમ માનો છો. ?

લોકોમાં ખૂબ ગુસ્સો છે. હું એમ નથી કહેતો કે સત્તા-પરિવર્તન થશે. સમય આવવા દો, અમે કંઈ પણ કહ્યા વિના સત્તા-પરિવર્તન કરીશું.

ઘણા કહે છે કે ગુજરાતની ચૂંટણી 2019ની લોકસભા ચૂંટણીની સેમિફાઈનલ છે. તમારું શું કહેવું છે. ?

હા, પણ તે સેમિફાઈનલ નહીં, ફાઈનલ છે.

તમે રેલીમાં કોને આમંત્રણ આપ્યું છે?

હું બિન-ભાજપી અને બિન-કોંગ્રેસે નેતાઓને આમંત્રી રહ્યો છું. જે મુખ્યમંત્રીઓ સમાજવાદી વિચારધારામાં માને છે તેમને આમંત્રણ આપીશ. જેમ કે નીતિશ કુમાર, મમતા બેનર્જી અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડા. મને વિશ્વાસ છે તે આવશે.

શું તમે અરવિંદ કેજરીવાલને આમંત્રણ નહીં આપો ?

ના.

મુલાયમસિંહ યાદવ ?

તે અંગે વિચારીશ. બધા નેતાઓ હાલ તેમના વિસ્તારમાં કામ કરી રહ્યા છે.

શું તમે ગુજરાત બહાર પણ કાર્યક્રમ કરશો ? દિલ્હીમાં  ?

હું ચોક્કસ ગુજરાત બહાર જઈશે. હાલમાં દિલ્હીનો કોઈ કાર્યક્રમ નથી. પણ ચોક્કસ હું પાટનગરમાં કાર્યક્રમ કરીશ.

દલિત નેતા જિગ્નેશ મેવાણી તમને મળ્યા હતા. શું તમે બીજી જ્ઞાતિઓને પટેલ સાથે ભેળવશો ?

પટેલ, આદિવાસી, દલિત, મુસ્લિમ બધા જ ગુજરાતમાં લડશે. અમે અમારા હક્ક માટે લડીશું. અમારે કોઈને સત્તામાંથી બેદખલ કરવા નથી, કોઈનો વિરોધ નથી. હું પટેલ છું, મારે મારી જ્ઞાતિના હક્કો માટે લડવું જોઈએ. જ્યારે દેશના હિતની વાત હશે ત્યારે બધાને જોડીશું.

ભાજપ સાથે લડવા ઉપરાંત બીજા કોઈ મુદ્દાઓ જેના મુદ્દે તમારી લડત હશે ?

મૂળ મુદ્દો, પટેલોને અનામત મળવી જોઈએ. પટેલોએ આઝાદી પછી કંઈ માંગ્યું નથી. આજે અમારે જરુર છે, અમે માંગીએ છીએ, ત્યારે અમારી પર અત્યાચાર થાય છે. ખેડૂતની જમીન સંપાદીત કરાય ત્યારે તેને વળતર મળવું જોઈએ. યુવાનો બેકાર છે. આપણે વાયબ્રન્ટ ગુજરાતના નામે કંપનીઓને લાવીએ છીએ, પણ રોજગારી તો પેદા થતી નથી. સરકારી કર્મચારીઓનું શોષણ થાય છે. ઘણા મુદ્દા છે.

નીતિશ કુમાર શું ભૂમિકા ભજવશે ?

નીતિશકુમાર મુખ્યમંત્રી છે. તેમણે અમને મદદ કરી છે. તેઓ કુર્મી છે. બીજા બધા જ રાજ્યોમાં કુર્મીઓને અનામત મળી છે. તો ગુજરાતમાં પણ મળવી જોઈએ.

પટેલ અનામતના મુદ્દાનું રાષ્ટ્રીય મહત્વ કેટલું ?

 માત્ર ગુજરાતમાં જ 1.2 કરોડ પટેલ છે. દેશમાં કુર્મી, ગુજ્જર, મરાઠા, પાટીલ, પાટીદાર, કપ્પુ અને બીજી પેટાજ્ઞાતિઓની સંખ્યા 27 કરોડ થવા જાય છે. આ બધા એક જ જ્ઞાતિના છે.

29 જાન્યુઆરી રેલી પછી શું આયોજન ?

ભવિષ્યના આયોજન વિશે કહેવું યોગ્ય નથી. પણ તમે મને પ્રજાની સમસ્યા હશે તે મુદ્દે બધી જ જગ્યાએ જોશો. તે દલિતો પરના અત્યાચાર હોય કે ખેડૂતોના પ્રશ્નો. સમાજવાદી દળોને એક કરીશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ