ગુજરાત વિધાનસભામાં આજે સોમવારે બેઠક વ્યવસ્થાના મામલે પત્રકારોએ પ્રશ્નોત્તરી સમય દરમ્યાન રીપોર્ટીંગનો બહિષ્કાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાના નવીનીકરણ બાદ પત્રકારો માટે પ્રેસ ગેલરીમાં બેઠક વ્યવસ્થા યોગ્ય નહીં બનતા પત્રકારો દ્વારા ગુજરાત સરકારથી માંડીને વિધાનસભાનાં અધ્યક્ષ સુધી ફરિયાદો કરી હતી જે અંગે વહેલામાં વહેલી તકે પત્રકારોની બેઠક વ્યવસ્થા વ્યવસ્થિત કરી આપવા માટેની તે સમયે ખાતરી અપાઈ હતી. જોકે તે બાબતને પણ 15 દિવસ કરતાં વધારે સમય વીત્યો હોવા છતાં કોઈ પગલાં નહીં લેવાતાં આખરે સોમવારે પત્રકારોએ વિધાનસભા રીપોર્ટીંગનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતા. જોકે આ બાબતની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોને સમજાવી ખાતરી આપી હતી કે ઝડપથી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. નીતિનભાઈની ખાતરી મળ્યા પછી પત્રકારોએ ફરીથી પ્રેસ ગેલેરીમાં બેસી કામગીરી શરૂ કરી હતી.