અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારે ટ્રમ્પ અને મોદીની મિત્રતાના પગલે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ઊંચાઈએ જશે તેમ મનાતું હતું. પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પછી ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ શરૂ થઈ, જેનું મુખ્ય કારણ પ્રમુખ ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઈઝ માટે પીએમ મોદીને કરેલો ફોન કોલ હતો તેમ અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે ઘટસ્ફોટ કર્યો છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ હવે ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના નથી. ટ્રમ્પ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાના હતા. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પર અમેરિકા અને ભારત બંને સરકારો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.