ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે, મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવા અનુરોધ કર્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે, પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.