ઈઝરાયેલે ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ શરૂ કરેલું આક્રમણ ત્રીજા દિવસમાં પ્રવેશતા હવે બંને દેશ પૂર્ણ સ્તરના યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોવાની આશંકા ઊભી થઈ રહી છે. ઈઝરાયેલે રવિવારે દક્ષિણ ઈરાનમાં દુનિયાના સૌથી મોટા ગેસ ફિલ્ડ, સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને પરમાણુ મથક પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. ઈઝરાયેલે દાવો કર્યો કે તે એક ક્ષણ માટે પણ રોકાશે નહીં અને તહેરાન પર હુમલા ચાલુ રાખશે. ઇઝરાયેલના હુમલામાં ઇરાનમાં ૪૦૬ લોકોનાં મોત અને ૬૫૪થી વધુ ઘાયલ થયા છે. બીજીબાજુ ઈરાને પણ ઓપરેશન ટ્રુ પ્રોમિસ-૩ હેઠળ ઈઝરાયેલના અનેક શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો, જેમાં ૧૩ લોકોનાં મોત થયા હતા અને ૧૦૦થી વધુને ઈજા પહોંચી છે.