બિહારમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં સુધારણા માટે ચૂંટણી પંચના વિશેષ સઘન પુનઃપરીક્ષણ (એસઆઈઆર) અભિયાનના વિરોધમાં થયેલી ૧૦થી વધુ અરજીઓ પર સુપ્રીમમાં ગુરુવારે સુનાવણી હાથ ધરાઈ હતી. તમામ આરોપ-પ્રત્યારોપ, શંકાઓ અને રાજકીય શોરબકોર વચ્ચે સુપ્રીમે મતદાર યાદીના વિશેષ સઘન પુનઃ પરીક્ષણ પર સ્ટે મુકવાનો ઈનકાર કરી દીધો હતો. સુપ્રીમે ચૂંટણી પંચના પગલાંના તર્ક અને વ્યવહારિક્તાનું સમર્થન કર્યું હતું, પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલાં જ આ કવાયત હાથ ધરવા અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ કેસમાં આગામી સુનાવણી ૨૮ જુલાઈએ થશે.