મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના કવિકર્મની વંદના કરવામાં આવે છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૨૫ નો નરસિંહ મહેતા એવોર્ડ કવિ હર્ષ બ્રહ્મભટ્ટને
આગામી શરદ પૂર્ણિમા તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૫, સોમવાર, સાંજના ૫. ૩૦ કલાકે ગોપનાથ (તા. તળાજા, જી. ભાવનગર) ખાતે મોરારિબાપુના હસ્તે ટ્રસ્ટના અધ્યક્ષ રઘુવીર ચૌધરી અને સારસ્વતો, વિદ્વજ્જનો, ભાવકોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવશે.
કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતી ભાષાના સાતત્યપૂર્વક સર્જન કરનારા કવિ છે. તેમણે મુખ્યત્વે ગઝલ સ્વરૂપમાં માતબર ખેડાણ કર્યું છે. તેમના કાવ્ય સંગ્રહોમાં ‘એકલતાની ભીડમાં', 'અંદર દીવાદાંડી', 'મૌનની મહેફિલ',
‘જીવવાનો રીયાઝ', 'ખુદને ય ક્યાં મળ્યો છું?', 'ઝાકળ ને તડકાની વચ્ચે’, 'આભ દોર્યું તો સૂર્ય ઉગ્યો'તો, 'કોડિયામાં પેટાવી રાત', 'તું મળે ત્યારે જડું છું' વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી ઉપરાંત તેમણે ઉર્દૂ ગઝલ ક્ષેત્રમાં પણ કલમ ચલાવી છે અને શેરિયત સંપન્ન ગઝલસંગ્રહો આપ્યા છે જેમાં 'કંદીલ', 'સરગોશી', 'મેરા અપના આસમાં', 'ખામોશી હે ઈબાદત', 'મંઝિલો કો હટા કે ચલતે હૈ', 'જબ શામ કે સાથે ઢલતે હૈં' નો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કવિ હર્ષ બ્રહ્મભટ્ટનાં સર્જન કર્મ વિશે કવિ વિનોદ જોશી વક્તવ્ય આપશે તથા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ કાવ્યપાઠ કરશે. મોરારિબાપુ પ્રાસંગિક પ્રસન્નતા વ્યક્ત કરશે. કાર્યક્રમનું સંચાલન કવિ પ્રણવ પંડ્યા કરશે