ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા અને સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ જાતે જ પોતાના પદ નહીં છોડે, તો તેને પદ પરથી હટાવી દેવાશે. બુધવારે (20મી ઓગસ્ટ) લોકસભામાં આવી જોગવાઈઓ કરતા ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગૃહે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે જેમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી રહીને જેલમાં હોવા છતાં પણ પોતાનું પદ છોડ્યું ન હતું, તેવી જ રીતે ભવિષ્યમાં આવા કેસ અટકાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બિલમાં એવું ઉમેરવાનું કહ્યું છે કે, 'જો ધરપકડ કરાયેલ મંત્રી કે મુખ્યમંત્રી નિર્દોષ સાબિત થાય છે, તો તેને જેલમાં ધકેલનારા મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને પણ જેલ થવી જોઈએ.'