અમદાવાદ વિમાન દુર્ઘટનાએ સૌરાષ્ટ્ર-કચ્છના સાત પરિવારોના માળા વિખેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 28 મુસાફરો અમદાવાદથી લંડન જતાં વિમાનમાં હતાં અને તેમનો પતો લાગ્યો ન હોવાથી મૃત્યુ નીપજ્યાં હોવાની આશંકા છે. સૌથી વધુ 15 મુસાફરો દિવના હતાં તેમાંથી એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. જૂનાગઢના નિવૃત્ત અધિકારી અને પરિવારના ત્રણ લોકો, પોરબંદરમાં પતિની વિધી કરીને પરત ફરતાં મહિલા સહિત બ્રહ્મ પરિવારના ત્રણ, વડિયાના એક, જામનગરમાં પિતાની ખબર પૂછી પરત ફરતાં પતિ-પત્ની, કચ્છમાં ધાર્મિક પ્રસંગ ઉજવી પરત જતાં ત્રણ તેમજ વેરાવળમાં પુત્રીના સીમંત પ્રસંગ પછી પરત જતાં બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતાં.