ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.