હવામાન ખાતાની આગાહીને પગલે સાવરકુંડલા પંથકમાં સતત બીજે દિવસે પણ અનુરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દ્વશ્યો જોવા મળ્યા હતા. સાવરકુંડલાના સીમરન અને ગાધકડા ગામની શેરીઓના રસ્તાઓ પર નદીઓ વહેતી હતી. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગૂલ થઈ ગઇ હતી. ગાધકડા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, ખાંભાના નેસડી, તાતણીયા દાઢીયાળી,નાનુડી,ઉમરીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં તલ, બાજરી, ડુંગળી, સહીતના પાકને પારાવાર નુકસાન થયું હતું. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.