ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં રવિવાર મોડી રાત્રે એક પછી એક ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાતા ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા હોવાના અને 1,300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે એવી તબાહી મચી છે કે, અનેક ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સંકટની ઘડીમાં ભારતે અફઘાનિસ્તાનને તાત્કાલિક માનવતાવાદી સહાય મોકલી છે. ભારત દ્વારા 1,000 ફેમિલી ટેન્ટ અને 15 ટન ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ રાહત અને બચાવ સામગ્રી મોકલવામાં આવશે.