ભારતના ખેલકૂદ જગતના દિગ્ગજ મેજર ધ્યાનચંદે ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય રમત-ગમત દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી જાહેર કરી છે. ‘એક ઘંટા ખેલ કે મૈદાન મેં’ (એક કલાક રમત-ગમતના મેદાનમાં) અને ‘હર ગલી હર મૈદાન, ખેલે સારા હિંદુસ્તાન’ (દરેક ગલી દરેક મેદાન, રમે આખું હિંદુસ્તાન) જેવા નારા સાથે આ વર્ષે સમગ્ર રાષ્ટ્ર ખેલકૂદ, ઉત્સાહ અને એકતાનો આ 3 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઉત્સવ ઉજવશે, અને મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપશે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ 29 થી 31 ઓગસ્ટ, 2025 સુધી ત્રણ દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે.