ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે IPLમાંથી પણ નિવૃત્તિનું એલાન કરી દીધું છે. બુધવારે સત્તાવાર રીતે તેણે આ અંગે જાહેરાત કરી છે. આ સાથે તે હવે ભારતમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતો નહીં જોવા મળે કેમ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેણે ગત વર્ષે જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વચ્ચે આ નિર્ણય લીધો હતો. જોકે હવે તેણે પોતાનો નવો પ્લાન જણાવી દીધો છે. અશ્વિને કહ્યું છે કે તે અન્ય ટી20 લીગમાં રમતો જોવા મળશે. ગતવર્ષે ડિસેમ્બરમાં ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતને અલવિદા કહ્યું હતું. તેણે 38 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.