પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડીફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે (7 મે, 2025) દેશની 259 જગ્યાઓ પર સાયરન વાગશે. આ મોક ડ્રીલ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની માહિતી અપાઈ છે.
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મોક ડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કમિશનર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મોક ડ્રીલ વખતે નાગરિકોએ કઈ કઈ બાબતોનું રાખવું ધ્યાન?
ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતી લાંબી સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકી અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
આવતીકાલે (7 મે) રાજ્યમાં સાંજે 7.30થી 8.30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે, જે દરમિયાન ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.