6, એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સ્થાપના દિવસ. 1980માં ભાજપને જનસંઘથી ભાજપ તરીકે ઓળખ મળી હતી. અત્યારે કેન્દ્રમાં ભાજપનું સળંગ ત્રણ ટર્મથી શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકે આ ત્રીજી ટર્મ છે. ગુજરાતમાં છેલ્લાં 45 વર્ષમાં ભાજપની વિકાસયાત્રા કેવી રહી એની ઉપર એક નજર કરીએ...
ભાજપ પક્ષનો ઇતિહાસ
ભારતીય જનતા પાર્ટી, જે દેશ અને દુનિયામાં ભાજપના નામે ઓળખાય છે, એનો આજે 45મો સ્થાપના દિવસ છે. મૂળ ભારતીય જનસંઘથી આરંભાયેલી વિચારસરણી 1980માં ભારતીય જનતા પાર્ટીમાં પરિણમી. ભાજપનું શાસન છેલ્લી ત્રણ ટર્મથી કેન્દ્રમાં અને 1995થી ગુજરાતમાં અવિરત રહ્યું છે. ભાજપની સ્થાપના પછી ભાજપને દેશવ્યાપી રાજકીય બનાવવામાં વાજપેયી અને અડવાણીનો સિંહફાળો છે. હાલ ભાજપના મજબૂત આધાર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ માનવામાં આવે છે. ભાજપના ઈતિહાસમાં મહત્વનું પરિબળ હિંદુત્વ અને હિંદુ હિતનો મુદ્દો રહ્યા છે. એક સમયે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહર નહેરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને એ સમયના સર સંઘ સંચાલક ગોલવલકર વચ્ચે સતત મંત્રણા થતી અને એ મંથન થકી 21, ઓક્ટોબર - 1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના થઈ. મૂળે તો ભારતીય જન સંઘ એ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના રાજકીય સંગઠન તરીકે રચાયું હતુ. જેનો મૂખ્ય ઉદ્દેશ ભારતીય ખ્યાલ પ્રમાણે દેશમાં રાજનીતિ કરવાનો હતો. આ સાથે ભારતીય જન સંધનો ઉદ્દેશ રાષ્ટ્રીય એકતા, દેશની અખંડ સરહદો, આર્થિક સમાનતા, માતૃભાષામાં શિક્ષણ આપવાનો હતો. પોતાના આંરભથી જ ભારતીય જન સંઘ માટે ગૌરક્ષા અને હિંદુત્વ અગ્રીમ સ્તરે રહ્યા હતા. ભારતીય જન સંઘે 1952થી પક્ષીય રાજકારણમાં પોતાનો પ્રભાવ જમાવ્યો અને ચૂંટણી લડી પોતાના ભાવિનો ચીલો ચાતર્યો હતો. ભારતીય જન સંઘ ત્યાર બાદ જનતા પક્ષની સાથે રહ્યો. છેવટે 6, એપ્રિલ - 1980ના રોજ મુંબઈ ખાતે ભાજપના સ્થાપના અધિવેશનમાં એક સ્વતંત્ર રાજકીય પક્ષ તરીકે રચાયો.