ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ છતા સ્થિતિ સંપૂર્ણપણે થાળે નથી પડી. ભારતીય સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન હવે સરહદે થોડો પણ અટકચાળો કરશે તો ભારત તેનો વધુ આક્રામકતાથી જવાબ આપશે. આ ઉપરાંત આતંકીઓના સફાયા માટે ભારતે શરૂ કરેલું ઓપરેશન સિંદૂર હાલ નહીં અટકે તેવી જાહેરાત પણ સેનાએ કરી દીધી છે. ભારતીય સેના, એરફોર્સ અને નેવી હાલ પણ ખડેપગે જ છે. ભારતીય સૈન્યના ડીજીએમઓએ પ્રેસ કોન્ફરંસ કરીને હાલની સ્થિતિ તેમજ ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં પાક.ના ૧૦૦ આતંકીઓ અને ૪૦ સૈનિકોને ઠાર કરાયા છે.