જીએસટી પરિષદે જીએસટી ૨.૦ના ભાગરૂપે દરોમાં વ્યાપક સુધારાને મંજૂરી આપી દીધી છે અને ૨૨ સપ્ટેમ્બરથી તેનો અમલ થવાનો છે. આ સુધારાઓના પગલે આગામી સમયમાં ક્રૂડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદન મોંઘા થશે. બીજીબાજુ કેન્દ્ર સરકારને જીએસટીની આવકમાં રૂ. ૩,૭૦૦ કરોડનું નુકસાન થશે તેમ એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે.
જીએસટીમાં સુધારાના ભાગરૂપે જીએસટી પરિષદે ક્રુડ ઓઈલ અને ગેસના સંશોધન તથા ઉત્પાદનની સેવાઓ પરનો ટેક્સ ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરી નાંખ્યો છે. જોકે, તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ અપાશે. રેટિંગ એજન્સી ઈક્રાના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પ્રશાંત વશિષ્ઠે કહ્યું કે, જીએસટીમાં વૃદ્ધિથી ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસના ઉત્પાદનનો ખર્ચ વધી શકે છે. ક્રુડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ જીએસટીના દાયરાથી બહાર છે, તેથી તેના ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધીથી કરોનો બોજ વધશે.