Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડો ધીમંત પુરોહિત
 
૧લી જુલાઈ ૨૦૨૨ ગુજરાત કે ભારત જ નહિ, એશિયાઈ પત્રકારત્વના ઇતિહાસમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન છે.  આપણા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’એ એની અવિરત અખબારી યાત્રાના  ૨૦૦ વર્ષ આ દિવસે પૂરા કર્યા છે. એની સાથે સાથે ગુજરાતી પત્રકારત્વએ પણ બે સદી પૂરી કરી. લગાતાર બસો વર્ષથી પ્રકાશિત થતું હોય એવું એ એશિયાનું એ એક માત્ર અખબાર છે. મુંબઈના ગુજરાતીઓમાં તો એ ઘર ઘરનું છાપું છે. ઘર અને ઓફીસ બંનેમાં મુંબઈ સમાચાર બંધાવનારા ગુજરાતીઓ પણ ઓછા નથી. મુંબઈ સમાચાર એક છાપું માત્ર નથી, દેશ અને દુનિયાની યુગ પરિવર્તનકારી ઘટનાઓનું જીવંત સાક્ષી અને જન સમૂહ સુધી એ વાતોને પહોચાડનારૂ માધ્યમ પણ છે.
 
૧૮૨૨ એટલે ભારતમાં અંગ્રેજી રાજ. મુંબઈ સમાચારે ઇસ્ટ ઇન્ડીયા કંપનીના રાજથી માંડીને રાણી વિક્ટોરીયા, એડવર્ડ, પંચમ અને છઠ્ઠા જ્યોર્જનાં શાસન, કેટ કેટલા અંગ્રેજ વાઈસરોય અને ગવર્નર જનરલ જોયા અને રીપોર્ટ કર્યા. ૧૮૫૭નો હિંદનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જોયો અને એનો રોજે રોજનો રોમાંચક ઈતિહાસ પોતાના વાચકો સુધી પહોચાડ્યો. જયારે ગણતરીના છાપા હતા અને અન્ય માધ્યમોની ગેરહાજરી હતી, ત્યારે ગાંધી પ્રેર્યા આઝાદીના આંદોલનને લોકો સુધી પહોચાડવામાં મુંબઈ સમાચારનું પ્રદાન હજી યુનિવર્સીટીના પીએચડીનાં ગાઈડો અને સંશોધકોની નજરે હજી પડ્યું જ નથી. મુંબઈ સમાચારે બબ્બે વિશ્વ યુધ્ધો જોયા. ભારતના ક્રૂર ભાગલા જોયા અને જવાહરલાલ નહેરુથી માંડી નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનો પણ જોયા અને રીપોર્ટ પણ કર્યા.  બીજા કોઈ જ અખબારનાં નસીબમાં  કાળખંડનો આટલો વિશાળ પટ નથી. મુંબઈ સમાચારની બે સદીની યાત્રા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ટપાલ ટીકીટ પણ લોન્ચ કરી. આવું બહુમાન મેળવનારું એ પ્રથમ ગુજરાતી અખબાર છે.
 
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, “મુંબઈ સમાચારણા સમાચારોની વિશ્વસનીયતા એ કક્ષાની હતી, કે આઝાદીના આંદોલનમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ વિશ્વાસપૂર્વક એને ટાંકતા. એની ભાષા ભલે ગુજરાતી હોય એની નિસ્બત હમેશા રાષ્ટ્રીય રહી છે”
 
આ ઐતિહાસિક ઘટનાની  ઉજવણી તા. ૨૯મી જુને અમદાવાદમાં અને ૧લી જુલાઈએ મુંબઈમાં પત્રકારોએ ઉત્સાહભેર કરી.    
 
‘મુંબઈ સમાચાર’નાં સ્થાપક પારસી સજ્જન ફર્દુનજી મર્ઝબાનજી(૧૭૫૭ – ૧૮૪૦) પણ એટલાજ ઉત્સાહસભર અને પ્રામાણિક ઉદ્યોગ સાહસિક હતા.  ફર્દુનજી મુંબઈ સમાચારના સ્થાપક ઉપરાંત, પહેલા ગુજરાતી છાપખાનાના પણ સ્થાપક હતા. વિશ્વમાં મુદ્રણકળાની શોધ ઇસ્વીસનના પંદરમાં સૈકામાં જર્મનીમાં ગટનબર્ગે  કરી હતી. આપણા ફર્દુનજીને ગુજરાતી  ગટનબર્ગ કહી શકાય. ફર્દુનજીએ ૧૮૧૨મા મુંબઈના કોટ વિસ્તારમાં જુના બજારની સામેના  એક મકાનમાં ગુજરાતી છાપખાનાની શરૂઆત કરી. ફર્દુનજીએ તો એનું કોઈ નામ કે પાટિયું નહોતું બનાવ્યું, પણ લોકો એને ‘ગુજરાતી છાપખાનો’ એ નામે ઓળખાતા. ૧૮૧૪મા પહેલું ગુજરાતી પંચાંગ અહી છપાયું. બે રૂપિયા જેવી ગંજાવર કિંમત છતાં એ ચપોચપ વેચાઈ ગયું. થોડા ધાર્મિક પુસ્તકોના અનુવાદ બાદ ૧૮૨૨મા અંગ્રેજી વ્યાકરણનો પહેલો ગુજરાતી અનુવાદ પણ આ જ છાપખાનામાં છપાયો.
ફર્દુનજીનાં સાહસનો રોમાંચક ઈતિહાસ ૧૯૭૨મા મુંબઈ સમાચારના દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે મુંબઈ સમાચાર પ્રેસે જ રસિક ઝવેરીની રમતિયાળ કલમે છાપ્યો હતો. રસિક ઝવેરી લખે છે, કે “ગુજરાતી છાપખાના’નું ગાડું ઠીક ઠીક ગબડવા માંડ્યું એટલે વળી, પારસી ભાષામાં કહે છે એમ, ‘ફર્દુનજીનાં મગજમાં એક નવો કીડો ચવડી આયો!” – એક ગુજરાતી વર્તમાનપત્ર કાઢવું.’
 
ફર્દુનજી મુંબઈના વગદાર માણસ હતા. એમની મિત્ર મંડળીમાં મુંબઈનો એ વખતનાં અંગ્રેજ ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિનટન્ટ પણ હતા. એમણે ઉદારતાથી ફર્દુનજીનાં નવા છાપાના સાહસ માટે એ જમાનાનાં ધોરણ મુજબ ગંજાવર કહેવાય એવી વાર્ષિક રૂપિયા ૧,૨૦૦ની સરકારી સહાય મંજુર કરી.
 
ફર્દુનજી પ્રિન્ટીંગ ટેકનોક્રેટ અને પત્રકાર ઉપરાંત પાક્કા વેપારી પણ હતા. આજનો યુગ પ્રચાર અને જાહેરાતોનો યુગ કહેવાય છે, પણ બસ્સો વરસ પહેલા, જ્યારે લોકો જાહેરાતનો જ નહોતા જાણતા, ત્યારે ફર્દુનજી જાહેરાતનું મહત્વ બરાબર સમજતા હતા. મુંબઈ સમાચાર લોન્ચ કરતા પહેલા એમણે પોતાના અખબારની એક નમૂનેદાર જાહેરખબર ‘મદેહનજર’ ૧૦મી જુન ૧૮૨૨નાં રોજ બહાર પાડી. એમાં એ વખતની પારસીશાઇ ગુજરાતીમાં એમણે પોતાના ભાવિ વાચકોને આ નવતર છાપામાં શું શું હશે એ  વિષે ચોટદાર ભાષામાં એક કુશળ સેલ્સમેનની માફક માહિતી આપી અને મહિનાના બે રૂપિયાના લવાજમથી છાપું બંધાવા અપીલ કરી. એ અપીલના જવાબમાં દોઢસો લોકોએ એ જમાનામાં મોંઘુ કહી શકાય એવું લવાજમ ભર્યું. એમાં ૬૭ પારસી, ૧૪ અંગ્રેજ અમલદારો, ૮ હિંદુ અને ૬ મુસલમાનો હતા. ૫૦ નકલો અંગ્રેજ ગવર્નર એલ્ફીન્સ્ટનને નામે હતી. આ સખાવત માટે ફર્દુનજીએ ગવર્નરને ધરમરાજનું બિરુદ આપેલું.
 
અને આમ તારીખ ૧લી જુલાઈ ૧૮૨૨નાં રોજ કોઈ મોટી હો હા વિના ‘શ્રી મુમબઈનાં સમાચાર’ અને ગુજરાતી પત્રકારત્વના શ્રી ગણેશ થયા. આજના આપણા છાપાઓમાં પહેલા પાને સમાચારને બદલે ફૂલ પેજ જાહેરાતો જોઇને આપણામાંના ઘણાના મ્હો મચકોડાય છે, પણ ૨૦ પાનાના ‘શ્રી મુમબઈનાં સમાચાર’નાં પહેલા અંકના પહેલા પાને આખું પાનું ભરીને ચાર ચાર જાહેરાતો હતી! એમાં સૌથી રસપ્રદ જાહેરાત હતી, ‘ખોવાઈ ગયેલી સોનાની એક પેનની’! કેવો સતયુગ હશે ફર્દુનજીનો – જેમાં લોકો સોનાની પેનો વાપરતા, ખોઈ નાખતા અને સોનાની ખોવાયેલી પેન પાછી મળશે એવા વિશ્વાસે છાપામાં જાહેરખબર પણ છપાવતા!
 
મુબઈ સમાચારની બે સદીની સફળતાના મૂળમાં એની સત્યપ્રિયતા, વિશ્વસનીયતા ઉપરાંત સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ગુજરાતી ભાષા છે. આ બાબતે ફર્દુનજી સ્પષ્ટ હતા. એમણે એ વખતની ભાષામાં લખ્યું  છે કે, “મૂળ સંસ્કૃતમાંથી અન્ય ભાષાઓની જેમ જ ગુજરાતી પણ ઉતરી આવી છે. એમાં મોગલાઈ શાસનમાં ફારસી અને અરબી બોલો ભળ્યા. અંગ્રેજ બહાદુરો આવ્યા પછી એમાં અંગ્રેજી બોલો પણ ભળ્યા. પારસી લોકો આવી ગુજરાતીમાં કામ ચલાવે પણ વાણીયા લોકો એમાં થોડું જ સમજે. વાણીયા સંસ્કૃત – પ્રાકૃતમાં બોલે એ પારસીઓ ના સમજે. ઘણા ખરા વેદના બોલો તો ગુજરાતીમાં મળતા નથી અને મળે તો એને સમજનારા મળતા નથી. જેથી કરીને સમાચારની ગુજરાતી બોલી એવી લેવા ધારી છે, કે જે પારસી અને વાણીયા લોકો સર્વેના સમજમાં આવે.” અખબારની ભાષા અને વિચારોની કેવી ગજબનાક ક્લેરીટી હતી ફર્દુનજીમાં. અને કોશિયો પણ સમજી શકે એવી ગુજરાતી ભાષામાં ‘નવજીવન’  શરુ કરનારા મોહનદાસ કરમચંદ ગાંધીને આવવામાં તો હજી એક સો વરસની વાર હતી.
 
મુંબઈ સમાચાર મુળે તો મુંબઈના વેપાર જગતનું છાપું હતું. એમાં મુંબઈમાં થતા વેપારની માહિતી, મુંબઈના બંદરે આવતી – જતી સ્ટીમરોની માહિતી, સરકારી સમાચાર, જગ્યા વધે તો ધાર્મિક – સામાજિક વાતો અને સાથે સાથે સરકારી સહાયથી છપાતું હોવા છતાં, દેશીઓને થતા અન્યાય અને એમની સમસ્યાઓની વાતો પણ આવતી. વિગતવાર - જ્ઞાતિવાર અવસાન નોંધ અને બેસણા –  ઉઠામણાની ફ્રી જાહેરાતો પણ મુંબઈ સમાચારની ખાસિયત અને લોકપ્રિયતાનું એક કારણ પણ છે. માનો યા ના માનો પણ  એના પહેલા જ અંકમાં અખબારી સ્વાતંત્ર્યની વાત પણ છે.   
 
૧લી જુલાઈ ૧૮૨૨થી  દર સોમવારે પાંચ/છ પાનાના અઠવાડિક રૂપે પ્રસિદ્ધ થતું મુંબઈ સમાચાર ૩જી જાન્યુઆરી  ૧૮૩૨થી એક પાનાનું દૈનિક બન્યું.  જો કે એ સમયની તકનીકી અને સમાચાર મેળવવાની મુશ્કેલીઓને કારણે ૧૮૩૩થી અઠવાડિયામાં બે વાર રવિવાર અને બુધવાર એમ બે દિવસે પ્રસિદ્ધ થવા માંડ્યું. વળી ૧૮૫૫થી દૈનિક રૂપે પ્રસિદ્ધ થવા માંડ્યું.
 
સીટીઝન જર્નાલીઝમ શબ્દ ભલે ૨૧મી સદીમાં ચલણમાં આવ્યો, એની બે સદી પહેલા ફર્દુનજી એનો પ્રયોગ કરી ચુકેલા. પોતાના વાચકો જોગ એક અપીલ ફર્દુનજીએ મુંબઈ સમાચારમાં છાપી, “હવે અમારા સમાચારપત્રના ઘરાકો તથા બીજા સાહેબો તથા ભાઈબંધોની  એક મોટી કૃપા એ માંગીએ છીએ કે, જે કઈ નવી ખબર વાંચવામાં કે સાંભળવામાં આવે, ટે તરતની તરત ટૂંકમાં લખી મોકલાવી કે તેથી એ કામને મોટી મદદ પહોંચશે અને હરેક ખબર લખી મોકલવાને કઈ ભય રાખવો નહિ જે મળે ટે મોકલવી કારણકે જે તે ખબર પ્રગટ કરવા જોગ છે કે નહિ, અથવા ટે ખબર છપાયાથી કોઈને હાની પહોંચશે અથવા માઠું લાગશે અથવા દુખ લાગશે તે સઘળી અમો અમારી આગલી ચાલ પ્રમાણે તપાસીને જોઈશું કે કશું એવું નથી ત્યારે જ પ્રગટ કરીશું.” મીડિયા એથીક્સનો આનાંથી મોટો માપદંડ બીજો કયો હોઇ શકે.
 
જો કે આમ છતાં દૈનિક માટે રોજે રોજ સમાચાર મેળવવામાં કઠણાઈ પડવા માડી ત્યારે સમાચાર ના મળે તો વાચક સામે શું રજુ કરવું એ ફર્દુનજી જેવા નીતિવાન, ધગશવાળા અને કર્મઠ અધિપતિ માટે એક કોયડો હતો. એનો પ્રમાણિક ઉકેલ એમણે તારીખ ૨-૧-૧૮૩૨ના અંકમાં છેલ્લા પાને આ રીતે સૂચવ્યો, “આવતીકાલથી આતવાર વિના હરરોજ અક્કેકું કાગજ અને જે દહાડે કઈ ખબર નહિ હશે તે દહાડે અડધું કાગજ પણ આપવામાં આવશે અને વળી એવો ધારો રાખશું કે કોઈ વેળાએ પાછલા પહોરે ચાર કલાકના અમલ સુધી ખબર મળી આવશે તો તે જ દિને સાંજના કાગજ તૈયાર કરી તુરત સર્વે સાહેબોને પહોંચતું કરીશું અને જે દહાડે પાછલા પહોરમાં ચાર કલાક પછી કઈ નવી ખબર મળવાની ધારણા હશે તો તે  દિનનું કાગજ તેને બીજે દિવસે સવારના પહોંચાડવામાં આવશે એટલે જે કોઈ દહાડે સાંજના અને કોઈ દહાડે સવારના પણ હરરોજની ખબર હરરોજ આપવામાં આવશે.” પળે પળની ખબરો આપતી ચોવીસ કલાકની ટીવી ન્યુઝ ચેનલોનાં આગમનની બે સદી પહેલા એ જ જર્નાલીસ્ટીક સ્પીરીટની વાત છે આ. અને હા, કાશ આજના આપણા  છાપા પણ કોઈ ખબર નાં  હોય ત્યારે આડું અવળું આચળ કુચળ વાચકોને માથે મારવાને બદલે  ફર્દુનજીની જેમ અડધા પાના આપતા હોત!
 
પ્રારંભે તો મુંબઈ સમાચાર ફર્દુનજીને ફળ્યું. એમના વેપારમાં પણ બરકત આવી. મુંબઈમાં બેઠા બેઠા આ પારસી શેઠ કલકત્તા અને ચીન સાથે વેપાર કરતા. આ વેપાર માટે એમણે ‘હિન્દુસ્તાન’ નામનું એક જહાજ પણ ખરીદેલું. જો કે ૧૮૩૨મા ભાગ્યનું પાનું ફર્યું. પહેલા તો પારસી પંચાંગની ધાર્મિક ભાંજગડમાં ફર્દુનજીનું મુંબઈ સમાચાર સપડાયું. ભાંજગડ વિશેના જ એક સમાચાર ખુંવાર કરી નાખવાની ધમકી છતાં મર્દાનગીથી એમણે છાપ્યા. એનાથી મિત્રો ઘટ્યા અને દુશ્મનો વધ્યા. આ બધામાં રૂપિયા ૮૦,૦૦૦ ઉપરાંતનો કમર તોડી નાખે એવો ખરચો થયો. શાહુકારોની ચાલમાં ફસાયેલા ફર્દુનજી સ્વીકારેલી હુંડીઓની રકમ ભરી ના  શક્યા. પરિસ્થીતી એટલી બગડી કે પ્રેસ, બંગલો, ગાડી પર જપ્તી અને એમના જેલ ભેગા થવાની નોબત આવી ગઈ. ત્યારે એમણે ભગ્ન હૃદયે પોતાનું વ્હાલું મુંબઈ સમાચાર અને મુંબઈ પણ  છોડી અંગ્રેજી હદ બહાર પહેલા વસઈ અને બાદમાં દમણ પલાયન કરવું પડ્યું.
 
ફર્દુનજીએ અધિપતિ તરીકે દસ વર્ષ અને ચાલીસ દિવસ સુધી મુંબઈ સમાચાર ચલાવ્યું. છેલ્લા દિવસે પોતાના પ્રાણથી પણ પ્યારું મુંબઈ સમાચાર છોડતા પહેલાં પોતાના વ્હાલા વાચકો જોગ  આખરી સંદેશ રડતા હૃદયે અને ધ્રુજતી કલમે મુંબઈ સમાચારમાં  લખ્યો, “કિસ્મતના ખેલ, નસીબની બલિહારી, ઋણાનુબંધ, અંજળપાણી.........”
 
ફર્દુનજી બાદની એક સદીમાં ૧૭ માલિકો અને અનેક તંત્રીઓના હાથફેરા બાદ એની બીજી સદીના બીજા દાયકામાં ૧૯૩૩માં મુંબઈ સમાચાર હાલના એના માલિકો કામા પરિવારના વડવા મંચેરજી નસરવાનજી કામા પાસે આવ્યું. લાંબા સમય સુધી મુંબઈ સમાચારનું સંચાલન સુપેરે સંભાળનારા પત્રકારો અને કામદારોના લાડકા મંચી શેઠે ગયા વર્ષે મુંબઈ સમાચારને ૨૦૦મા વર્ષમાં પ્રવેશ કરાવીને વિદાય લીધી. હાલમાં એના મેનેજીંગ ડીરેક્ટર હોરમસજી કામા છે અને તંત્રી નીલેશ દવે.
 
હોરમસજી કામાને મુંબઈ સમાચારના ૨૦૦ વર્ષની પુર્ણાહુતી પ્રસંગે એમની ફીલિંગ્સ વિષે પૂછીએ ત્યારે તેઓ પારસીશાઇ શાલીનતાથી એક જ શબ્દમાં ઉત્તર આપે છે – “હમ્બલડ! અમારા વાચકોના અમારા પ્રત્યેના અનંત પ્રેમના પ્રતાપે જ અમે ૨૦૦ વર્ષની આ અકલ્પનીય મજલ કાપી શક્યા છીએ.”
આવતા દસ વર્ષનું એમનું વિઝાન પણ સ્પષ્ટ છે – ૨૦૦ વર્ષ જુના આ પારંપરિક અખબારને કામા હવે ડીજીટલ અખબારની દિશામાં આગળ લઇ જવા માગે છે, અને અલબત્ત પ્રિન્ટ વર્ઝનમાં વધુ ણે વધુ યુવા વાચકોને શામેલ કરવા માગે છે.
ફર્દુનજીનો પત્રકારીય ઉત્સાહ બસ્સો વરસ બાદના એમના વારસમાં પણ અકબંધ ટકી રહ્યો છે. એમના માટે  દરેક નવો દિવસ એક નવ્વા માઈલ સ્ટોન સમાન છે.
મુંબઈ સમાચારના સૌ અધિપતીઓએ એમના મૂળ પુરુષ ફર્દુનજી મર્ઝબાનજીએ દોરી આપેલી પત્રકારત્વની લક્ષ્મણ રેખાનું કોઈ જ અપવાદ કે બાંધછોડ વિના આજ દિન સુધી પાલન કર્યું છે. હા, મુંબઈ સમાચારમાં દુનિયા હલાવી નાખતા કે સરકારો ઉથલાવી નાખતા અહેવાલો કદી આવ્યા નથી પણ સાથે સાથે એના મૂળ અધિપતિ ફર્દુનજીએ સ્વર્ગમાં શરમાવું પડે એવો  કોઈ અહેવાલ પણ મુંબઈ સમાચારના પાનાંઓ પર  આ બસ્સો વર્ષમાં કદી આવ્યો નથી.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ