વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે ઘાના પહોંચ્યા, જે પશ્ચિમ આફ્રિકન દેશની તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. અક્રાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને 21 તોપોની સલામી આપવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીને ઘાનાનો બીજો રાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યો. ઘાનાના રાષ્ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને 'ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' થી સન્માનિત કરવામાં આવ્યા.
મારા માટે ગર્વની વાત : પીએમ મોદી
રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "ઘાનાના રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું 1.4 અબજ ભારતીયો વતી આ સન્માન નમ્રતાપૂર્વક સ્વીકારું છું. હું આ સન્માન આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું."