Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદઃ ૭ ઓગસ્ટ ૨૦૨૫:ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી લોક શૈલીમાં રચાયેલું એક ભાવપૂર્ણ વિડિયો-ગીત “જય-વીરુની જોડી” તેમજ એક ડોક્યુમેન્ટરી“જય-વીરુની અમરગાથા” નું રાજ્યસભા સાંસદ અને જાણીતા સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ આજે લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં અવસાન થયું છે.

પરંપરાગત સંગીત અને લોકવાદ્યોની છાયામાં તૈયાર થયેલું આ ગીત ગિરના રાજા સમાન બનેલા જય-વીરુના અતૂટ બંધન, અખૂટ શક્તિ અને અણમોલ બંધુત્વને શ્રદ્ધાંજલિ રૂપ છે. ગીતમાં જય અને વીરુનો પારસ્પરિક પ્રેમ તથા તેમની જોડીને બિરદાવનારાઓની હૃદયની લાગણીઓ પ્રતિબિંબિત થાય છે.

 

જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ આ ગીત અને ડોક્યુમેન્ટરીને સ્વર આપ્યો છે. ગીત અને ડોક્યુમેન્ટરીનું આલેખન જાણીતા સ્ક્રીનપ્લે લેખક અને ગીતકાર પાર્થતારપરાએ કર્યું છે. સંગીત ભાર્ગવ અને કેદારની પ્રતિભાસભર જોડીએ તૈયાર કર્યું છે. આ જ ટીમે “ગિર ગજવતી આવી સિંહણ” નામનું લોકપ્રિય ગીત પણ બનાવ્યું હતું, જે ગયા વર્ષે વર્લ્ડ લાયન ડે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૪)ના દિવસે રિલીઝ થયું હતું.

ગુજરાતની લોક-સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકકલાવંતો દ્વારા સર્જાયેલું “જય-વીરુ ની જોડી” એ માત્ર એક ગીત નથી, પણ ગિરના આ બે વિખ્યાત સિંહોની વિરાસતને ઉજાગર કરતી એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પણ છે.

“જય-વીરુની અમરગાથા”, બીજી બાજુ, સાસણ ગિરની સુંદરતા તેમજ પ્રભાવશાળી સિંહ જોડીની હાજરીએ તેને કઈ રીતે અસાધારણ બનાવતી હતી તેનું વર્ણન કરે છે. તે જય અને વીરુના અનંત બંધન અંગે પણ જણાવે છે.

જય અને વીરુ માત્ર સિંહ ન હતા—તેઓ વફાદારી, એકતા અને મિત્રતાનું દ્રષ્ટાંત હતા. આ જોડીએ ઘણા લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે,” તેમ શ્રી નથવાણીએ જણાવ્યું અને ઉમેર્યું કે “આ ગીત અને ડોક્યુમેન્ટરી મારા અને અનેક સિંહ પ્રેમીઓનાં ભાવોને અભિવ્યક્ત કરે છે.”

વધુમાં, આ વર્ષના વર્લ્ડ લાયન ડે (૧૦ ઓગસ્ટ) નિમિત્તે શ્રી નથવાણીએ જય-વીરુની યાદમાં વિશિષ્ટ સ્મૃતિસભર ટી-શર્ટ્સ પણ તૈયાર કરાવ્યાં છે, જે સાસણ-ગિરની સુવેનિયર દુકાનમાં ઉપલબ્ધ રહેશે.

ગિર અને સિંહોના જતન-સંવર્ધન માટે સતત કાર્યરત શ્રી નથવાણી તેમનાં વાર્ષિક લાયન કૅલેન્ડર અને સોશ્યલ મીડિયા પર ગિરના સિંહો અને વન્યજીવ સૃષ્ટિ વિશેની માહિતી મૂકતા રહેવા માટે પણ જાણીતા છે. તેમણે જણાવ્યું કે “જય-વીરુની જોડી” ગીત તમામ મોખરાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. તેઓએ ઉમેર્યું કે જય અને વીરુની ગર્જના આપણી ચેતનામાં હંમેશા જીવંત રહે અને આ ગીત અને ડોક્યુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપવા માગું છું,” તેમણે એ પણ યાદ કર્યું કે તેઓ જય અને વીરુના નામકરણ કરવાની પ્રક્રિયામાં પણ જોડાયેલા હતા, જેને કારણે આ શ્રદ્ધાંજલિ વધુ લાગણીસભર બની છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ