દેશની રાજધાની દિલ્હીમાં આવેલી નવી સંસદ ભવનની સુરક્ષામાં આજે મોટી ખામી જોવા મળી. મળતી માહિતી મુજબ, શુક્રવાર સવારે લગભગ 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ રેલ ભવન તરફથી આવેલા ઝાડ પર ચડીને સંસદની દિવાલ ફાંદી અંદર ઘૂસી ગયો. આ વ્યક્તિ સીધો સંસદના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા "ગરુડ દ્વાર" સુધી પહોંચી ગયો.
સંસદ ભવનમાં હાજર CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ)ના જવાનો એ વ્યક્તિને તરત જ કાબૂમાં લીધો અને અટકાયત કરી. હાલ આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને સુરક્ષા એજન્સીઓ (Security agencies) તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે આરોપી પાસે કોઈ હથિયાર ન હતું, પરંતુ તે કેમ સંસદ ભવનમાં ઘુસ્યો તે હજી સ્પષ્ટ થયું નથી. CISF એ આરોપીને પકડીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.