ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર અમલી થશે. જે અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. હાલ ચાલી રહેલા જુલાઈ મહિનાથી જ દર શનિવારે બેગલેસ ડે-આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.