વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) તેમના 5 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. પિયાર્કો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું સ્વાગત ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન કમલા પ્રસાદ-બિસેસર દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. ત્રિનિદાદમાં ભારતીય સમુદાય (Indian Diaspora) ને વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે. અહીં ભારતીયોના પૂર્વજોએ સહન કરેલી મુશ્કેલીઓ સૌથી મજબૂત આત્માઓને પણ તોડી શકે છે, પરંતુ તેઓએ દરેક મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો.
ત્રિનિદાદ અને ટોબેગોમાં PM Modi એ કહ્યું કે, વિશ્વભરમાં કરારબદ્ધ સમુદાય માટે એક વ્યાપક ડેટાબેઝ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની છે. આપણા સંબંધો ભૂગોળ અને પેઢીઓથી ઘણા આગળ વધ્યા છે. ભારતીય ડાયસ્પોરા અમારું ગૌરવ છે. તમારામાંથી દરેક ભારતના મૂલ્યો, સંસ્કૃતિ અને વારસાના રાજદૂત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અગ્રણી અર્થવ્યવસ્થા છે. ટૂંક સમયમાં આપણે વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈશું. તેમણે કહ્યું કે, આજનું ભારત તકોની ભૂમિ છે, ભારત પાસે સમગ્ર વિશ્વને આપવા માટે ઘણું બધું છે.