આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી બન્યા છે. તેમની પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. દેશના વર્તમાન 30 મુખ્યમંત્રીઓ પાસે કુલ 1632 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેમાથી ચંદ્રાબાબુ નાય઼ુ પાસે લગભગ 57% હિસ્સો છે, તેમની પાસે કુલ 810 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ (રોકડ થાપણો, ઝવેરાત વગેરે) અને 121 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ (ઘર, જમીન વગેરે) છે. ચંદ્રાબાબુ પર 10 કરોડ રૂપિયાનું દેવું પણ છે. જયારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ છે. તેમની પાસે ફક્ત 15.38 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. આ માહિતી ચૂંટણી સુધારા માટે કામ કરતી NGOs એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) ના અહેવાલમાંથી પ્રાપ્ત થઈ છે.