દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે યોજાયેલ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતના સાવજ દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગીતા સંદેશનો ઉલ્લેખ કરી કહ્યું કે 143 વર્ષ બાદ બરડા ડુંગરમાં સિંહોનો કુદરતી પુનઃવસવાટ આનંદદાયક છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે જરૂરી સહાયની જાહેરાત કરી અને 'પ્રોજેક્ટ લાયન' શરૂ કર્યો છે. જેમાં હેબિટેટ મેનેજમેન્ટ, વન્યપ્રાણી આરોગ્ય, માનવ-પ્રાણી ઘર્ષણ નિવારણ, સ્થાનિક સહભાગીદારી, પ્રવાસન વિકાસ, સંશોધન, તાલીમ, ઇકો ડેવલપમેન્ટ અને જૈવ વિવિધતા સંરક્ષણનો સમાવેશ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સિંહોની સંખ્યા 674થી વધીને 891 થઈ છે. ગીરના સિંહોનો વિસ્તાર 3 જિલ્લાથી વધીને 11 જિલ્લાઓમાં પહોંચ્યો છે. તાજેતરમાં 'લાયન@2047' દસ્તાવેજ જાહેર થયો છે જે વસ્તી સંચાલન, રહેઠાણ સુરક્ષા, રોજગારી સર્જન અને સમુદાય સહભાગિતામાં મદદરૂપ બનશે.