કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ મીલીભગતથી લોકસભા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને વ્યાપક સ્તરે ગેરરીતિઓ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીમાં પ્રેઝન્ટેશન આપીને 'પુરાવા' સાથે ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર એટમ બોમ્બથી હુમલા સમાન છે. મહારાષ્ટ્રમાં પાંચ જ મહિનામાં રહસ્યમયી રીતે ૪૦ લાખ મતદારો ઉમેરાયા હતા. રાહુલ ગાંધીએ આ છેતરપિંડીમાં સામેલ દરેક ચૂંટણી અધિકારી સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.