હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી છે. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હોવાની આશંકા છે. તેમજ 10થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.
રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાની ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જેમાં મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતાં. આગ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલા જ્વેલરી સ્ટોરમાંથી શરૂ થઈ હતી, બાદમાં આખી ઈમારતમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત નીપજ્યા હતાં.