દેશભરમાં મુસ્લિમોના ભારે વિરોધ વચ્ચે સંસદમાંથી પસાર થયેલા વક્ફ સુધારા કાયદાને પડકારતી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં ફરી મંગળવારથી સુનાવણી શરૂ થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈના અધ્યક્ષપદે બે સભ્યોની બેન્ચે પક્ષ અને વિપક્ષની દલીલો સાંભળી હતી. મંગળવારે સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, બંધારણનો ભંગ થતો હોવાના નક્કર પુરાવા ના હોય ત્યાં સુધી સુપ્રીમ કોઈ દખલગીરી કરશે નહીં. તેમણે કહ્યું કે સંસદ દ્વારા પાસ થયેલા કાયદાઓમાં બંધારણીયતાની ધારણા હોય છે અને કોઈ કાયદો બંધારણીય છે કે નહીં તેનો કોઈ નક્કર પુરાવો સામે ના આવે ત્યાં સુધી કોર્ટ તેમાં દખલ નહીં કરે.