Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો પૂર્ણ થયો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ ગણતરીએ રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લીધો, જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરીને 891 સિંહોની હાજરી નોંધી છે. આ આંકડો ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતીક છે અને રાજ્યના વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે.

ગુજરાત સરકારના ‘પ્રોજેક્ટ લાયન’ સહિતના સંરક્ષણ પ્રયાસોનું મહત્વનું યોગદાન
ગુજરાતની આન-બાન-શાન એવા એશિયાઈ સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્યના વન્યજીવ સંરક્ષણના પ્રયાસોની સફળતાનું પ્રતીક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે 21 મે, 2025ના રોજ ગાંધીનગર ખાતે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. જેમાં રાજ્યમાં કુલ 891 સિંહો હોવાનું સામે આવ્યું. આ ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં 3,254 લોકોએ ભાગ લીધો. આ સફળતા પાછળ ગુજરાત સરકારના ‘પ્રોજેક્ટ લાયન’ સહિતના સંરક્ષણ પ્રયાસોનું મહત્વનું યોગદાન છે.
16મી સિંહ વસ્તી ગણતરીની વિગતો
ગુજરાતના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે યોજાતી આ ગણતરી 10થી 13 મે, 2025 દરમિયાન બે તબક્કામાં હાથ ધરાઈ. પ્રથમ તબક્કો (10-11 મે) ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિ દ્વારા પ્રાથમિક ગણતરી માટે હતો, જ્યારે 12-13 મે દરમિયાન અંતિમ ગણતરી કરવામાં આવી. આ વખતે 11 જિલ્લાઓ – જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ – ના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેવાયો. ગણતરીમાં 196 નર સિંહો, 330 માદા સિંહો, 140 પાઠડાં અને 225 બચ્ચાંઓની નોંધ થઈ, જે 2020ની ગણતરી (674 સિંહો)ની સરખામણીએ 32.20%નો વધારો દર્શાવે છે.

આધુનિક ટેકનોલોજી અને ગણતરીની પદ્ધતિ
આ ગણતરીમાં ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો, જે લગભગ 100% ચોકસાઈ આપે છે. આ પદ્ધતિમાં સિંહોના શરીર પરના નિશાનો, જેવા કે ઈજાના નિશાન, કાનની રચના કે શરીરના અન્ય ભાગોની ઓળખ, નોંધવામાં આવે છે. GPS ટ્રેકર્સ, હાઈ-રિઝોલ્યુશન કેમેરા, e-GujForest એપ્લિકેશન અને GIS સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવામાં આવ્યું. 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારને 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ-ઝોનમાં વહેંચીને 735 બ્લોકમાં ગણતરી હાથ ધરાઈ. રાજ્યભરમાં 3,254 લોકો, જેમાં વન અધિકારીઓ, કર્મચારીઓ, સ્વયંસેવકો અને સ્થાનિક લોકોનો સમાવેશ થયો, જે આ કામગીરીમાં જોડાયા.
પ્રોજેક્ટ લાયન: સિંહ સંરક્ષણની સફળતા
ગુજરાત સરકારના ‘પ્રોજેક્ટ લાયન’એ સિંહોની વસ્તી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જણાવી દઇએ કે, 74 મા સ્વાતંત્ર દિવસે સિંહોના લાંબા ગાળાના આયોજન માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ પહેલ હેઠળ, 2,927.71 કરોડ રૂપિયાના બજેટ સાથે 10 વર્ષની યોજના અમલમાં મૂકવામાં આવી. આ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય સ્તરે ઇકો-ડેવલપમેન્ટ કમિટીઓ, વન્યપ્રાણી મિત્રોની નિમણૂક, નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પ, 55,108 ખુલ્લા કૂવાઓ પર પાળ બાંધકામ અને સાસણમાં હાઈ-ટેક મોનિટરિંગ સેન્ટર તેમજ અદ્યતન વેટરનરી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. બરડા અભ્યારણ્યને સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં હાલ 17 સિંહો (6 પુખ્ત અને 11 બચ્ચાં) નોંધાયા છે. આ ઉપરાંત, 11,000 મચાણો બાંધીને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવામાં આવ્યો છે.

સિંહોની વસ્તીનો વધારો અને વિસ્તરણ
2020ની ગણતરીમાં 674 સિંહો (161 નર, 260 માદા, 93 પાઠડાં, 137 બચ્ચાં) નોંધાયા હતા, જેની સરખામણીએ 2025નો આંકડો 891 (196 નર, 330 માદા, 140 પાઠડાં, 225 બચ્ચાં) નોંધપાત્ર વધારો દર્શાવે છે. સિંહોનો વિસ્તાર પણ 2020ના 30,000 ચોરસ કિલોમીટરથી વધીને 35,000 ચોરસ કિલોમીટર થયો છે. ખાસ કરીને, ભાવનગર, પોરબંદર અને બોટાદ જેવા જિલ્લાઓમાં સિંહોની હાજરી વધી છે, જ્યારે દીવના દરિયાકાંઠે પણ સિંહો જોવા મળ્યા છે. આ વધારો ગીરની વનસ્પતિ, પ્રચુર શિકાર અને સ્થાનિક લોકોની ભાગીદારીને આભારી છે.

એશિયાઈ સિંહોનો જંગલથી માનવ વસાહતો સુધીનો બદલાવ
16મી સિંહ વસ્તી ગણતરી 2025ના આંકડાઓ અનુસાર, ગુજરાતના એશિયાઈ સિંહોના વસવાટમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે, જેમાં 55.78% સિંહો જંગલ વિસ્તારોમાં રહે છે, જ્યારે 44.22% સિંહો જંગલ બહારના વિસ્તારોમાં વસવાટ કરે છે. આમાંથી, કૃષિ વિસ્તારોમાં સિંહોની વસ્તી 15.31%થી ઘટીને 9.88% થઈ છે, જે ખેતરોમાં સિંહોની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. બીજી તરફ, નદીના પટના વિસ્તારોમાં સિંહોનો વસવાટ 3.74%થી વધીને 5.16% થયો છે, જે પાણીની ઉપલબ્ધતા અને શિકારની સુલભતાને કારણે હોઈ શકે છે. ફેક્ટરીઓ અને બિલ્ડ-અપ વિસ્તારોમાં સિંહોની હાજરી 0.68%થી વધીને 1.23% થઈ છે, જે ઔદ્યોગિક વિસ્તરણ સાથે સિંહોના અનુકૂલનનો સંકેત આપે છે. જોકે, માનવ વસાહતોની આસપાસ સિંહોની વસ્તી 2.04%થી ઘટીને 0.34% થઈ છે, જે માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાના ગુજરાત સરકારના પ્રયાસોની સફળતા દર્શાવે છે. આ આંકડાઓ ગુજરાતના સિંહ સંરક્ષણ અને વસવાટ વ્યવસ્થાપનની દિશામાં નવા ફેરફારો અને પડકારોને રેખાંકિત કરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ