કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વૉટ ચોરી મામલે ફરી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બિહારમાં ચાલી રહેલી ‘વૉટ અધિકાર યાત્રા’માં કહ્યું કે, ‘જે સરકાર વૉટ ચોરીથી બની છે, શું તેમના ઈરાદાઓ ક્યારેય જનસેવા કરવાના હોઈ શકે છે? કોંગ્રેસ સાંસદે આ મામલે ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે છ મુદ્દાઓ સાથે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વોટ ચોરી કરીને’ બનેલી સરકારને લોકોના પ્રશ્નોની પરવા નથી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને છ મુદ્દાઓ પર ભાજપ પર સાધ્યું નિશાન
બેરોજગારી : તેમણે કહ્યું કે બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, જ્યારે સરકાર માત્ર મૂડીવાદીઓની તિજોરી ભરી રહી છે.
પેપર લીક અને કૌભાંડો : NEET, SSC અને અન્ય પેપર લીક જેવા કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી નષ્ટ કરી દીધી છે, પરંતુ સરકાર આના પર આંખ આડા કાન કરી રહી છે.
મોંઘવારી : તેમણે જણાવ્યું કે મોંઘવારી આસમાને પહોંચી છે, જેનાથી સામાન્ય માણસ માટે જીવન અસહ્ય બન્યું છે. આમ છતાં, સરકાર સતત ટેક્સ વધારી રહી છે.
માળખાકીય નિષ્ફળતા : ટ્રેન દુર્ઘટનાઓ અને પુલ-રસ્તાઓ જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓના ભંગાણથી નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થયા છે, પરંતુ સરકારે કોઈની જવાબદારી નક્કી કરી નથી.
આતંક અને હિંસા : પૂંછથી લઈને મણિપુર સુધી, આતંક અને હિંસાની ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા, છતાં સરકારે જવાબદારી લીધી નથી.
માનવતાનો અભાવ : નોટબંધી, કોવિડ મહામારી અને ખેડૂત આંદોલન જેવી ઘટનાઓમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા, પરંતુ વડાપ્રધાને મદદ તો દૂર, સહાનુભૂતિ પણ બતાવી નથી.