આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વધુમાં, પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.
ગુજરાતમાં સિંહની સંખ્યામાં થયેલા વધારા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ “લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ”માં જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે.
- શ્રી પરિમલ નથવાણી, સાંસદ, રાજ્ય સભા
(શ્રી નથવાણી ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય છે; આ ઉપરાંત તેઓ પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય પણ છે. )