યૂટ્યૂબર અને ટ્રાવેલ વ્લોગર જ્યોતિ મલ્હોત્રાની 14 દિવસની ન્યાયિક હિરાસત આજે પૂર્ણ થઈ રહી છે. 33 વર્ષીય જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો ગંભીર આરોપ છે, અને તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923ની કલમ 3 અને 5 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 152 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં તપાસ હજુ ચાલુ છે, અને આગામી સુનાવણીમાં કોર્ટ નવા નિર્ણયો લઈ શકે છે.
જ્યોતિ મલ્હોત્રા, જે તેના યૂટ્યૂબ ચેનલ “Travel with JO” દ્વારા લાખો ફોલોઅર્સ ધરાવે છે, તેની ધરપકડ 16 મે, 2025ના રોજ હિસારના નવા અગ્ગરસેન એક્સટેન્શન વિસ્તારમાંથી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, જ્યોતિ નવેમ્બર 2023થી પાકિસ્તાન હાઈ કમિશનના સ્ટાફ એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે સંપર્કમાં હતી. દાનિશને 13 મે, 2025ના રોજ ભારત સરકારે જાસૂસીના આરોપોમાં દેશનિકાલ કર્યો હતો.