વિસાવદરના નવા ચૂંટાયેલા 'આપ'ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢમાં શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં એકરાર કર્યો હતો કે તેમની જીત પાછળ ભાજપના પણ કેટલાક લોકોનો સહકાર મળ્યો હતો. આ ઘટસ્ફોટથી ભાજપની શીર્સસ્થ નેતાગીરીમાં પોતાના પક્ષના અસંતુષ્ટો મુદ્દે હડકંપ મચી ગયો છે.
ઈટાલિયાએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે, 'ચૂંટણીમાં મને ભાજપમાંથી પણ ઘણા સારા લોકોએ મદદ કરી. કારણ કે ભાજપના લોકો પણ જાણતા હતા કે કયો માણસ કેવો છે અને કોણ કેવી વિચારધારા ધરાવે છે. સાથે સાથે સરકારી તંત્રમાં રહેલા નાના નાના અધિકારીઓએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે ઘણા સરકારી કર્મચારીઓએ મારી તરફ નહીં અને બીજાના વિરોધમાં નહીં પરંતુ બંધારણને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ બજાવી છે તે ખૂબ જ સારી બાબત છે.