એકતરફ પ્રત્યેક દેશવાસી સમગ્ર વિશ્વમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને દેશનું ગૌરવ વધારવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે તો બીજી તરફ દેશના જ નકારાત્મક માનસિક્તા ધરાવતા કેટલાક લોકો તેનાથી વિપરીત કામ કરે છે. તેઓ દેશની એકતા ઉપર પ્રહાર કરી રહ્યા છે. સરદાર પટેલે ૫૦૦થી વધુ રજવાડાને એક માળામાં પરોવ્યા હતા જ્યારે સત્તાના ભૂખ્યા આ લાલચુ લોકો ભારતના જ ટૂકડા-ટૂકડા કરવા માગે છે. આ દેશવિરોધીઓ જમ્મુ કાશ્મિરમાં આર્ટિકલ ૩૭૦ને પરત લાવવા માગે છે, નફરતથી છલોછલ આ લોકો દેશને બદનામ કરવાની એક તક પણ ગુમાવતા નથી. તેઓ ગુજરાતને પણ સતત નિશાન બનાવી રહ્યા છે જેના કારણે ગુજરાતે તેમનાથી સતર્ક પણ રહેવાનું છે' તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.
સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવેલા નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે રૂપિયા ૮ હજાર કરોડથી વધારેના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવામાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત 'વિકસિત ભારત, વિકસીત ગુજરાત'ના સમારંભમાં વડાપ્રધાન મોદીએ તેમના ૩૫ મિનિટના સંબોધનમાં ત્રીજી ટર્મના ૧૦૦ દિવસમાં એનડીએ સરકારે કરેલી કામગીરીનું લેખાં-જોખાં, આગામી સમયની બ્લ્યૂ પ્રિન્ટ, વિરોધીઓની તૃષ્ટિકરણની નીતિ સહિતના વિવિધ મુદ્દા આવરી લીધા હતા