શનિવારે હજુ તો કેરળ અને રવિવારે મહારાષ્ટ્રના સીમાડે પહોંચેલુ નૈઋત્યનું ચોમાસું સોમવારે તો મુંબઈ શહેરમાં પહોંચી ગયું હતું. છેલ્લાં ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ૨૬મી મેએ જ મુંબઈમાં ચોમાસાની બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ હતી. ગઈ મોડી રાતથી શરુ થયેલો ભારે વરસાદ આજે બપોર સુધી ચાલુ રહેતાં ઠેર ઠેર જળબંબાકારથી ટ્રેનો, મેટ્રો સેવાઓ, ફલાઈટ્સ, માર્ગો પરનો વાહનવ્યવહાર ખોરવાઈ જતાં જનજીવનને ભારે માઠી અસર થઈ હતી. સાઉથ મુબઈમાં ૧૦ ઈંચ વરસાદ ખાબકી જતાં મુંબઈગરાં હેરાન પરેશાન થઈ ગયાં હતાં.