Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રિય નીરવભાઈની હાજરીમાં જ એમના વિશે વાત કરવા મળી એનો આનંદ. એમને અને આપ સહુની ભીતર રહેલા નીરવ પટેલોને વંદન સાથે વાત શરૂ કરું છું.
ડૉ. નીરવ પટેલ વિશે પ્રસ્થાપિત સાક્ષરોને કોઈ પરિચય આપવાનો ન જ હોય એ હદે દલિત અને મુખ્ય સાહિત્યધારામાં એમનો અવાજ પડઘાય છે. આજે પ્રત્યેક શ્વાસ સાથે ભરપેટ જીવી લીધાની હાશ સાથે ઝઝૂમી રહેલા પ્રિય વડીલમિત્ર નીરવભાઈની જીવનઝરમર વિશે વાત કરવાની તક મળી એ માટે આપ સહુનો આભારી છું.
આમ તો નીરવભાઈ સાથેનો મારો સંબંધ 1996-97થી. પહેલી મુલાકાત ગૂજરાત વિદ્યાપીઠની ચાની કીટલી પર. એ સમય 1996નો. હું ગૂજરાત વિદ્યાપીઠમાં તે સમયે ઉર્દૂ ભાષા શીખવા જતો હતો. મારા પછીની બેન્ચમાં નીરવભાઈ જોડાયા. પહેલી મુલાકાત વખતે ચાની કીટલીવાળાએ દૂધ ઉકાળ્યા વિનાની ચા પીવરાવી, પણ અમારું મળવું તો બરાબરનું ઊકળી ગયું હતું, પરિણામે સંબંધોમાં ઉંમરનો બાધ ઓગળી ગયો. અલબત્ત, એ નાતે પણ એમના વિશે કહેવા માટે હું નાનો, કારણ કે મારું જન્મવર્ષ 1978 અને 1978થી તો નીરવભાઈનું નામ દલિત સાહિત્યના બેલી તરીકે ગૂંજતું અને ગાજતું રહ્યું છે. તે સમયના અનેક મિત્રો આજે પણ આસપાસ છે, પરંતુ ઘરના મોભીઓની ગેરહાજરીમાં નાનાએ પણ મોટાઓની વાત કરવી પડે એ નાતે મારી વાત આપ સહુ સમક્ષ મૂકું છું.
2 ડિસેમ્બર 1950ના રોજ અમદાવાદ જિલ્લાના દસ્કોઈ તાલુકાના ભુવાલડી ગામ ખાતે જન્મેલા સોમાના પિતા હીરાભાઈ અને માતા દીવાબહેન. દાદા પૂંજાભાઈ અને દાદી કંકુમા ખેતમજૂરી અને ચર્મકામ સાથે સંકળાયેલાં. ગરીબીની હાડમારી વચ્ચે ગામમાં જ બાળપણ વીતાવનાર નિરક્ષર મા-બાપનો આ લાડલો ભણવામાં હોંશિયાર. મંગળદાસ વાળંદના આ વહાલા વિદ્યાર્થીએ એસ.એસ.સી.માં ડિસ્ટિન્કશન મેળવેલું.
1966માં ભુવાલડીનો પરિવારનો લાડકો દીકરો એનાથી બે-ત્રણ વર્ષ અભ્યાસમાં આગળ એવા નટુભાઈ પટેલનાં સાન્નિધ્યમાં અમદાવાદની સેન્ટ ઝેવિર્યસ કૉલેજમાં અભ્યાસ અર્થે આવે છે. ગામનો શરમાળ પ્રકૃતિનો આ વિદ્યાર્થી અમદાવાદની ઝાકઝમાળમાં અટવાયા કરે છે. એના જીવનમાં 1966થી 1975નો દશકો ખૂબ જ પીડાસભર છે. આ પીડાઓના પરિમાણ સ્વરૂપ લગભગ 1974-75 બાદ એ નામ અને અટક બંને બદલે છે અને આપણી સામે આવે છે નીરવ પટેલ. પહેલાના સોમા સોલંકી એ જ આપણા સહુના હાલના પ્રિય કવિશ્રી નીરવ પટેલ.
હીરા ચમારનો સંઘ’માં નીરવભાઈએ ગામનાં ઘર-વ્યવસાય વિશે વાત કરી છે. નીરવભાઈ લખે છે : ‘ઘરના છેલ્લા અંધારિયા ખંડમાં વખાર કરી છે બાપાએ. એક એક ચામડું માથે મૂકીને હાથરીમાં લાવે છે. પહોળું કરીને પાથરે છે. થોડાં કાચાં ચામડાં છે. થોડાં પાકાં, રંગેલાં ચામડાં છે. મા આવે છે ખારાનું પાણી ભરેલો ઘડો લઈને. કાચાં ચામડાં પર ખારો છાંટે છે. હું બધું જોયા કરું છું.’
અક્ષરની આંટીઘૂંટીએ પુનઃ અભ્યાસમાં મન પરોવ્યું ને નીરવભાઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે 1969માં સ્નાતક થયા અને ત્યાર બાદ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે 1998માં અનુસ્નાતક પણ. કુટુંબમાં ગુજરાતી કક્કો શીખનાર પણ એ જ પ્રથમ હોવાથી અંગ્રેજીની તો વિસાત શી? આ અભ્યાસક્ષુધાનો જ તાપ કે 2009માં ‘Gujarati Dalit Poetry (1978-2003)’ વિષય પર ડૉ. ડી. એસ. મિશ્રાના માર્ગદર્શન હેઠળ એસ.પી. યુનિવર્સિટીમાંથી એમણે નિવૃત્તિના આરે આવે આવીને પીએચ.ડી.ની પદવી મેળવી.
નીરવભાઈ વ્યવસાયે થોડો સમય કલેકટર કચેરીમાં કારકૂન તરીકે જોડાયેલા. પછી 1971ની આસપાસ સેન્ટ્રલ બેન્ક ઑફ ઇન્ડિયામાં જોડાયા તે છેક 2009 સુધી ત્યાં જ. નોકરી દરમિયાન રખિયાલની જીવણલાલની ચાલીમાં વીસેક વર્ષ રહ્યા. ત્યાર બાદ વેજલપુર અંતિમ મુકામ, જે આજ દિન સુધી. આમ, નીરવભાઈએ ઘર બદલ્યા છે, પણ મન નહીં. એમનું મન તો કાયમ દલિતોની, વંચિતોની પીડાની વાત કહેવા માટે તત્પર રહ્યું છે.
ખૈર, ગામમાંથી શહેરમાં આવેલો આ જીવ વ્યવસાયમાં જેટલી સહજતાથી સ્થાયી થયો એટલી સરળતાથી જીવનમાં સ્થાયી નથી થયો. નીરવભાઈ લખે છે : ‘દલિત હોવાનો અહેસાસ તો બાળપણથી જ હતો. ગધાપચીસીની ઉંમરમાં મારા દલિત વારસાને ક્યાં દફનાવવો એ જ વિચારો કરતો હતો. સવર્ણ સમાજની રહેણીકહેણી, ખાણીપીણી, પહેરવેશ, આચારવિચાર, સંસ્કારિતાના મોહમાં પડી જવાયું હતું. મેં માન્યું કે આ સામાજિક-સાંસ્કૃતિક પછાતપણાને મિટાવવાનો એક માત્ર સરળ ઉપાય છે કોઈ સવર્ણા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનો. પ્રેમ નથી તો ભીખમાં મળતો, નથી તો વાણિયાના હાટે વેચાતો. પણ સંજોગોએ મારા એ અભરખા પણ પૂરા કર્યા. પણ પછી તો ગલા ગધેડાની વાર્તા જેવા ઘાટ થયા. 25 જૂન 1979નો એ દિવસ મારા જીવનની સૌથી મોટી હોનારતનો દિવસ હતો. મારી એ ટ્રેજેડી દલિત સમસ્યાને કારણે સર્જાઈ હતી. ડીકાસ્ટ થવા નીકળેલો હું રાતોરાત આઉટકાસ્ટ થઈ ગયો. ઈસુની વાર્તામાં આવતી પાપિણી સ્ત્રીની જેમ સૌ કોઈ મારા ઉપર પથ્થરો વરસાવતા હતા. મેં જેસલ જેવા પાપ હરગિઝ નથી કર્યા, એ મારે કોઈ તોરલને કહેવું હતું.’
આ તોરલ મારા મતે જસુમતિ પરમાર જ. પ્રારંભિક દામ્પત્ય જીવનમાં ખૂબ જ કટુ અનુભવોનું આ ગદ્યખંડમાં પ્રતિબિંબ છે. લગ્નની ચોરીના ચાર જ ફેરા હશે, પણ નીરવભાઈના જીવનમાં અલગ અલગ તબક્કે ફેરા રહ્યા. 1971ની આસપાસ પુત્ર જ્યોતિરના જન્મ બાદ ગામમાં બાળપણમાં નક્કી થયેલાં લગ્ન વિચ્છેદમાં પરિમણ્યા. આ વિચ્છેદનો વિદ્રોહ સમજો તો વિદ્રોહ, નીરવભાઈએ શહેરમાં બીજું લગ્ન એક સવર્ણ યુવતી સાથે કર્યું. નિયતિ અહીં પણ કસોટી કરતી રહી. પુત્રી ઋચાને ભળાવીને થોડા સમય પછી પત્ની અંગત કારણોસર અપમૃત્યુ પામે છે. ત્રીજી પત્ની સમાજની, પણ એ પિયર ગઈ તે ગઈ, પછી કોઈ સગડ નહીં.
શિક્ષણની કસોટીમાં હંમેશાં અવ્વલ રહેતા કવિ આમ સામાજિક કસોટીમાં અટવાતા રહ્યા. આટઆટલી આકરી ત્રિ-કસોટી બાદ નીરવભાઈનાં જીવનમાં આવે છે જસુમતીબહેન.
જસુમતિબહેન સાથેનું દામ્પત્યજીવન સુખરૂપ રહ્યું છે. જ્યોતિર્ અને ઋચા – બે બાળકોનાં પિતા નીરવભાઈ સાથે પાંચ-પાંચ વર્ષની પ્રણય-તપશ્ચર્યા બાદ જસુમતી પરમારનાં પ્રેમલગ્ન. જસુમતિબહેનને ‘જલિ’ના હુલામણા નામે નીરવભાઈ સંબોધે. પીટીસી પાસ જસુમતીબહેને થોડો સમય શિક્ષિકા તરીકે કામ કરેલું. જસુમતીબહેન સાથેનું દામ્પત્ય જીવન પ્રેમ-વહેમથી આગળ વધી છેક કુશળક્ષેમ સુધી વિસ્તરેલું રહ્યું છે. આ સુમધુર દામ્પ્ત્યજીવનની ફળશ્રુતિ એટલે નીરવ-જસુમતીનું સંતાન સ્વમાન. પેટા-જ્ઞાતિનો એરુ આ લગ્નજીવનને આભડી નથી શક્યો તેનો રાજીપો. પુત્ર સ્વમાનના નામથી નીરવભાઈએ ’સ્વમાન ફાઉન્ડેશન’ પણ ઊભું કર્યું છે તેની વાતો કરતાં પહેલા કવિ નીરવ પાસે પહોંચીએ.
ભુવાલડી જવાના રસ્તે વાડીલાલ શેઠની મકઈનો પાઉડર બનાવવાની મિલ. રસ્તે મિલની ગંધ અને ઘરે ચામડાની ગંધ. આ ગંધમાંથી નીરવમાં કવિતા નામની સુગંધ જન્મે છે. કવિ હોવું એટલે જ દર્દથી ઘરોબો રાખી શકવા સમર્થ હોવું. નીરવભાઈનું જીવન તો જાણે પીડાનો જ પર્યાય. નાતનું દુઃખ, જાતનું દુઃખ, વાતનું દુઃખ અને કેટકેટલાયે વલોપાતનું દુઃખ. આવા દુઃખોના પહાડમાંથી નીરવભાઈની કવિતાનું ઝરણ વહ્યું છે. માર્ગમાં જેટલા વધારે પથ્થર એટલું જ નિર્મળ નીર એમ નીરવભાઈની કવિતામાં પ્રતિબિંબિત થતી સંવેદનાઓ સતત આગવી અને ભાગવી લાગે છે. સામાન્ય માણસ કદાચ આવી પરિસ્થિતિઓમાં નાસીપાસ થઈને અવળો માર્ગ અખત્યાર કરી લે, પણ સોમાભાઈને કવિ નીરવ સતત બચાવી રાખે છે.
વાત જીવનઝરમરની છે અને કોઈ પણ કવિનું કવન જીવનની સમાંતરે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાણે-અજાણે ચાલતું રહે છે. નીરવની ભીતરે ધબકતા સોમા-રવે પારિવારિક સંબંધોનું ચિત્રણ કરતી કવિતાઓ રચી છે. જેમ કે પિતા હીરભાઈનું પદ્યચરિત્ર 'હીરાકુંડ' નામની કવિતામાં છતું થાય છે, તો પ્રેયસીપત્ની સાથેનો આંતરિક સંવાદ ‘કવિતા કરવાનું કહો છો’માં અને પુત્રી ઋચા પ્રત્યેની સાંવેદનિક ભરતી 'ઋચાને પત્ર' નામની કૃતિમાં ઝીલાઈ છે તેમજ 'જ્યોતિર્' કવિતામાં પુત્રમિલાપની ઝંખના નિરુપાઈ છે. થોડાક અંશ જોઈએઃ
હીરા, આવળનો રંગ તો બરાબર જામ્યો છે
ને પાકાં ગલ પાકી ગયાં છે ચામડાં,
ત્યારે છોકરાં નવડાવતો હોય એવા વહાલથી
ક્યાં લગ મસળીશ આ ચામડાં-સાંજથી સવાર?
આ કુંડના ખારા પાણીની ગંધને
પાકેલી કેરીની સોડમની જેમ
તું ક્યાં લગ ભરીશ ફેફસાં ફુલાવી ફુલાવી?
હીરા, તને આ કુંડની ભારે માયા –
જાણે તુલસીશ્યામના તીર્થનો પવિત્ર કુંડ!
(હીરાકુંડ, બહિષ્કૃત ફૂલો, પૃષ્ઠ-26)
*
માંજારીની મમતા જેવાં
મારાં બે બચ્ચાં લઈ
સાત ઘેર ફર્યો
પણ સાતેયમાં નીંભાડા સળગતા હતા
ને પ્રિય વસુમતી,
તમે મને પ્રસન્ન દામ્પત્યના કિલ્લોલની
કવિતા કરવાનું કહો છો!
(નયા માર્ગ, 1 ઑક્ટોબર, 1985)
*
ઋચા, તારી નસેનસમાં વેદોનું લોહી વહે છે.
શ્રુતિ અને સ્મૃતિઓનાં સ્તનપાનથી બંધાયું છે તારું કલેવર.
તારે શિરે સોહે છે બ્રાહ્મણત્વની કલગી.
મારા બાપુની સાવરણીએ વાળેલા વાડામાં વીત્યું છે તારું શૈશવ
ગૌરીવ્રતના કન્યાકાળે તેં જોયા હતાં ગામ ગોંદરેનાં અમારા ઝૂંપડાં
ત્યારે પ્રથમ વાર જન્મી હતી તારી બાલિશ આંખોમાં જુગુપ્સા
ને તારા કુતૂહલે વાંચ્યો હતો અમ ગમાર પ્રત્યેનો ધિક્કાર –
તારા વડીલોના ચહેરે.
(ઋચાને પત્ર, બહિષ્કૃત ફૂલો, પૃષ્ઠ-52)
*
ગામડેથી કોઈ આવે છે
ને રુસણે ચઢેલા જ્યોતિરના સમાચાર મળતા રહે છે :
ફેક્ટરીમાંથી થાક્યોપાક્યો આવીને એ
એના બેમાળી ઈંટેરી અંધારિયા ઘોલકામાં ઘૂસી જાય છે,
કેરોસીનનો દીવો પેટાવે છે,
ચૂલે ડુંગળીબટાકાનું શાક ચઢવે છે,
પછી બાજરીના પાંચછ રોટલા કલાડામાં શેકી કાઢે છે,
ખાઈને પલંગમાં પોઢી જાય છે,
રાતભર સાપછછૂંદરની હડિયાપટ્ટી ચાલતી રહે છે ઘરમાં,
એ બધાથી બેખબર બેતમા એ વહેલી સવારે ઊઠી જાય છે,
ટિફિન તૈયાર કરી ફરી નીકળી પડે છે
ફેક્ટરી ભણી.
(જ્યોતિર, વોન્ટેડ પોએટ્સ)
ખૈર, પોતીકી પીડા હોય કે પારકી, પીડા કોઈને કોઈ માર્ગે માર્ગ કરી લે પછી પીડા પીડા નથી રહેતી. નીરવભાઈની પીડાઓ કવિતાના માર્ગે ચાલી છે. દલિત કવિ નીરવ પટેલની પ્રથમ કવિતા ‘વિવેક આનંદ’ નામના કૉલેજ સામયિકમાં ડૉ. પિનાકિન દવેએ પ્રકાશિત કરેલી.
ત્યાર બાદ મૂળે તો ચળવળના ભાગ રૂપે સાહિત્યિક પરિવેશમાં નીરવભાઈનો દલિત કવિ તરીકેનો પગરવ ગુજરાત દલિત પેંથરના પ્રમુખ ડૉ. રમેશચંદ્ર પરમારના દલિત પેંથર, આક્રોશ સામયિકો થકી થયો. નીરવભાઈ એ સમયે પેંથરમાં બ્લેક પોએટ્રીના અનુવાદોમાં પણ સક્રિય. એ સમય કંઈ ઔર હતો, એનો જુદો તોર હતો. લગભગ 1975 બાદ પેંથરમાં નીરવભાઈની પ્રથમ કવિતાનું પ્રકાશન. ગુજરાત દલિત પેંથરે જ નીરવભાઈના બે અંગ્રેજી કવિતાસંગ્રહો પ્રકાશિત કર્યા છે.
1. burning from the both ends (1980)
2. what did i do to be so black and blue (1987)

આ અંગ્રેજી કવિતાઓમાંની ઘણી કવિતાઓ કવિના ગુજરાતી સંગ્રહમાં જોવા મળે છે. અલબત્ત, અંગ્રેજી કવિતાસંગ્રહોની વિશેષતા એ છે કે કવિએ ક્યાંય કેપિટલ શબ્દ નથી પ્રયોજ્યો. હંમેશાં માથું ઊંચકીને રહેતા કેપિટલ ‘I’ને પણ અન્ય સાથે સ્મોલ રાખ્યો છે. કવિની સમાનતામૂલક વિચારધારાનું આનાથી વિશેષ પ્રમાણ શું હોઈ શકે?
એક બાજુ દલિત પેંથરનું મુખપત્ર ‘પેંથર’, બીજુ બાજુ મૌન બલોલી, મનીષી જાની, બિપિન મેશિયા જેવા મિત્રોનું 1978-79નું ‘તોડફોડ’. આ સામયિકમાં પણ નીરવભાઈ ટપાલથી કવિતા મોકલતા. નીરવ પટેલના પત્રથી શરૂ થયેલો મનીષી જાનીનો સંપર્ક મૈત્રીમાં પરિણમે છે અને આ મૈત્રીએ નીરવભાઈમાં રહેલા કવિને વધારે સંકોર્યો, જે આગળ જતાં દલિત કવિતાનો જીવંત દસ્તાવેજ બની રહ્યો.
14 એપ્રિલ, 1978ના રોજ શરૂ થયેલું કવિતાનું ઋતુપત્ર ‘આક્રોશ’ દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી અને નીરવ પટેલ જેવી કવિત્રિપુટીનાં કવિતા-અંગારથી સતત ઝળહળતું રહ્યું. અહીં યોગેશ દવેને પણ યાદ કરીએ. એ યોગાનુયોગ છે કે દલિત કવિતાના પાયમાં બે દલિત કવિઓ અને બે બિનદલિત કવિઓ રહેલા છે.
1979માં દલપત ચૌહાણે ‘કાળો સૂરજ’ સામયિકનું પ્રકાશન હાથ ધર્યું. નીરવભાઈ એમાં પણ સક્રિય. એના તેરેક અંકો પ્રકાશિત થયેલા.
1980માં ‘ચાંદની’માં પ્રકાશિત ચંદુભાઈ મહેરિયાએ લીધેલી નીરવભાઈની મુલાકાત 'પેટ છૂટી વાત' અંતર્ગત એ ગાળામાં ભાવકો ઉપરાંત સર્જકોને પણ દલિત સાહિત્ય વિશે વધારે વિગતો લોકભોગ્ય બની શકી. આમ, નીરવભાઈ કવિતાલેખન સાથે સાથે બ્લેક પોએટ્રીના અભ્યાસ થકી પણ દલિત સાહિત્યની વિભાવનાને સંકોરવામાં પ્રયાસરત રહ્યા.
આ મુલાકાતમાં નીરવ પટેલ કહે છે : ‘ભક્તિવાદી સાહિત્ય, ગાંધીવાદી સાહિત્ય, શ્રમજીવી સાહિત્ય, સમાજવાદી સાહિત્ય, વાસ્તવવાદી સાહિત્ય, અસ્તિત્વવાદી સાહિત્ય, નારીવાદી સાહિત્ય, બ્લેક લિટરેચર, લિટરેચર ઑફ ધ પર્સિક્યુટેડ, પ્રગતિશીલ સાહિત્ય, મુક્તિવાદી સાહિત્ય, પ્રતિબદ્ધ સાહિત્ય, જનવાદી સાહિત્ય, આપણું સાહિત્ય... મને અહીં જ આશ્ચર્ય થાય છે કે આ ને આવી વિવિધ નામરૂપધારી સાહિત્યધારાઓ જન્મે, વિકસે એનો કોઈને કાંઈ વાંધો નથી ને દલિત સાહિત્યનો જ શા માટે વાંધો? અને માની લો કે પ્રસ્થાપિત સાહિત્યને વાંધો હોય એ તો સમજી શકાય પણ એની સામે વિદ્રોહરૂપે જન્મેલા સમાંતર સાહિત્યને શા માટે વાંધો હોવો જાઈએ?’
આમ, નીરવભાઈનો દલિત સાહિત્યનો પ્રત્યેનો ઝુકાવ અભ્યાસ અને વૈવિધ્યસભર પરિસ્થિતિઓના ક્યાસ થકી.
1981ના અનામત વિરોધી આંદોલન વખતે ‘આક્રોશ’નો જેતલપુર હત્યાકાંડ વિશેષાંક પ્રકાશિત થયો. આ અંક સાથે સંકળાયેલાં પ્રકાશક રમેશચંદ્ર પરમાર, ચિત્રકાર પાનાચંદ લુણેચિયા અને મૌન બલોલી, બીપિન મેશિયા, મૂળજી પરમાર, અશ્વિન જાની, મનસુખ વાઘેલા, મનીષી જાની તેમજ નીરવ પટેલ – આ સહુએ કાનૂની લડાઈનો સામનો કરવો પડેલો. ‘આક્રોશ’ને લઈ સંપાદક-મુદ્રક અને તેમાં છપાયેલી કવિતાઓના કવિઓ ઉપર ક્રિમિનલ કલમ હેઠળ કેસ દાખલ કરી ધરપકડના વોરંટ બહાર પાડ્યા. અદાલતમાં કવિઓના રીમાન્ડ માંગવામાં આવ્યા, તો સાહેદ બનેલા પ્રિન્ટરે તો પ્રિન્ટિંગ કામ કરાવવા આવતા રમશેચંદ્ર પરમાર અને મનીષી જાનીને ઓળખે છે એમ ફેરવી તોળ્યું. માયાળુ આદરણીય મેજિસ્ટ્રેટે પણ ‘કવિતા લખવા બદલ રીમાન્ડ આપી શકાય નહીં’ તેમ ઠરાવી તમામને મુક્ત કર્યા. કવિઓ પર કવિતા લખવાના ગુના સબબ ક્રિમિનલ કેસ દાખલ થયો હોવાની આ ઘટના કદાચ પ્રથમ વાર બની હશે.
1983-84ની આસપાસ ‘સંઘર્ષ સાહિત્ય સંઘ’ના પ્રમુખ હિમંત ખાટસૂરિયા અને મંત્રી નીરવભાઈ. 1986માં મનીષી જાની સાથે ‘પ્રોજેક્ટ ઇન્ડિયા’ અંતર્ગત આપણા દેશની સાંસ્કૃતિક પરિસ્થિતિ વિશે લંડનની 25 શાળાની મુલાકાત અંતર્ગત નીરવભાઈ દેશની સાથે સાથે પરદેશની ભૂમિને જાણતા-પિછાણતા થયા.
સ્વમાન ફાઉન્ડેશન ફોર લિટરેચર’ના સ્થાપક એવા નીરવભાઈ ગુજરાતી લેખક મંડળની સંચાલનસમિતિમાં પણ સક્રિય. ‘ગુજરાતી લેખક મંડળ’ની સાત-આઠ લેખન કૌશલ્ય શિબિરોનું પણ એમણે સંચાલન કરેલું. ‘સ્વમાન ફાઉન્ડેશન’ના ઉપક્રમે અનેક કાર્યક્રમોનું આયોજન કરતા નીરવભાઈ સાથેનો મારો વિશેષ પરિચય 1998ની દલિત સાહિત્યની લેખન-શિબિરમાં થયો, જે આજ દિન સુધી અકબંધ છે. આમ, કવિતાલેખન સિવાય નીરવભાઈ દલિત સાહિત્યના પ્રચાર-પ્રસારમાં પણ વિશેષ કાર્યરત. ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’, ‘વાચા’, ‘સર્વનામ’, ‘સ્વમાન’, ‘દલિત બ્રધરહૂડ’ ઇત્યાદિ સામયિકોનું સંપાદન પણ કરી ચૂકેલા નીરવભાઈએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ જેવા અંગ્રેજી અખબારોમાં પણ પ્રંસગોપાત્ત લખ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં 'લોકલ ચેનલ' નામની સંયુક્ત કૉલમ અંતર્ગત નીરવ પટેલ અને મનીષી જાનીએ લગભગ દોઢેક વર્ષ સુધી ટેલિવિઝન પ્રોગ્રામના રીવ્યૂ લખેલા.
આમ, 1975 થી 1985નો ગાળા દલિત કવિતાનો સુવર્ણકાળ. એ ગાળો હતો ચળવળોનો, આંદોલનોનો. ક્રમશઃ ચળવળો મંદ થતી ગઈ, આંદોલનો ઓસરાતા ગયા અને દલિત કવિતા પોતાનાં પ્રાથમિક ધ્યેયથી ચલિત થતી રહી. 1985થી 1995ના ગાળામાં જેટલા દલિત કર્મશીલો એટલી દલિત સાહિત્યની ડેલીઓ ચણાતી રહી. 1995થી 2005માં વિવિધ કંઠીઓ થકી વિવિધ વાડીઓ બનતી રહી ને વાડાઓ વિસ્તરતા થયા. ખૈર, આપણે નીરવ પટેલ તરફ પાછા ફરીએ.
બહિષ્કૃત ફૂલો’ એ પ્રકાશિત થયો 2005માં, પરંતુ એમાં 1975થી 2005 દરમિયાન લખાયેલી વિવિધ સંવેદનાઓનો ચિતાર છે. અગાઉના અંગ્રેજી કવિતાસંગ્રહોની કવિતાઓ પણ અહીં ગુજરાતી ભાષાંતર રૂપે સમાવિષ્ટ છે. ‘બહિષ્કૃત ફૂલો’ને પુરસ્કૃત ફૂલો કહેવા પડે એટલી બહોળી સંખ્યામાં આ સંગ્રહ દલિત અને બિનદલિત બંને ધારાના સાહિત્યસર્જકો તરફથી પ્રશંસા પામ્યો છે. 2005નો આ સંગ્રહ 2013માં ‘severed tongues speaks out’ નામે અંગ્રેજીમાં પ્રકાશિત થાય છે. ‘બહિષ્કૃત ફૂલો’ 2016માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી સાહિત્ય એમ.એ.ના પેપર-4 ‘આધુનિક તથા આધુનિક સાહિત્ય’ અંતર્ગત અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થાય છે. એમના અન્ય પુસ્તકોમાં સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત 'દલિત કવિતા' સંપાદન પણ ખરું.
નીરવભાઈની કવિતાઓ દલિત અને મુખ્યધારાના વિવેચકોએ વખાણી છેઃ
પ્રવીણ ગઢવી લખે છે તેમ 'એની કવિતામાં ક્રાંતિનો આક્રોશ છે. તે નીરવ-શાંત નથી, પરંતુ સરવ છે, વિરવ છે, વિદ્રોહી રવ છે. બોલકો, તોફાની મેઘની જેમ ગર્જતો કવિ છે.'
મનીષી જાની કહે છે તેમ 'નીરવની કવિતાનું વિશિષ્ટ પાસું છે કે તે બુદ્ધિ અને લાગણી બંનેને એક સાથે આંદોલિત કરે છે અને સંવેદનાના સ્તરે તે વધુ ચોટદાર બની રહે છે.'
જોસેફ મેકવાન કહે છે 'નીરવ દલિત કવિતાનો કલમવીર ને કડખેદ છે. એના વિના દલિત કવિતાક્ષેત્રે અલૂણુ લાગે.'
સુમન શાહ કહે છે : ‘માઈકોવસ્કી, વાલ્ટેર, રુસોમાં ભાષાની જે તાકાત છે તે નીરવમાં છે.’
સિતાંશુ યશ્ચચંદ્ર કહે છે : ‘આટલી વેદનાઓ વેઠવાનું ગજું બહુ ઓછા માણસોનું હોય છે.’
બહિષ્કૃત ફૂલોને ગુજરાતી સાહિત્ય પરિષદનું 2005નું ‘મહેન્દ્ર ભગત પારિતોષિક’ પ્રાપ્ત થયેલું છે. દલિત સાહિત્યને આગવી પીડાથી રળિયાત કરનાર નીરવ પટેલને ગુજરાત સરકારનો 2007-08ના વર્ષનો ‘કબીર એવોર્ડ’ ઉપરાંત ભારતીય દલિત સાહિત્ય અકાદમીનો વર્ષ 2018નો ‘રાષ્ટ્રીય એવોર્ડ’ પણ એનાયત થયેલો છે. નીરવભાઈની કવિતાઓ અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી અને મલયાલમ જેવી ઇતર ભાષાઓમાં પણ અનુવાદિત થઈ છે, જે કવનપીડની સચ્ચાઈનું પ્રમાણ છે.
વિવિધ સાહિત્યિક મેળાવડાઓમાં પણ નીરવભાઈ સહભાગી રહ્યા છે તો ‘સાઉથ એશિયન લિટરેચર ફેસ્ટિવલ’, ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’ ઇત્યાદિ અનેક સભાઓને એમને દલિત સાહિત્યના અભ્યાસુ તરીકે સંબોધી છે. ‘અસ્મિતા પર્વ’માં એમણે આપેલું વક્તવ્ય લલિત સાહિત્યકારોને પણ દલિત સાહિત્ય વિશે પુનર્વિચાર કરવા પ્રેરે છે.
બહિષ્કૃત ફૂલો’ બાદનો આગામી સંગ્રહ છે ‘વોન્ટેડ પોએટ્સ’, જે આગામી દિવસોમાં પ્રકાશિત થશે. જોકે વિવેચકોએ નીરવભાઈની કવિતાને ભવિષ્યમાં બે રીતે મૂલવવી પડશે. એક ‘બહિષ્કૃત ફૂલો’ પહેલાં અને ‘બહિષ્કૃત ફૂલો’ બાદ. ‘વોન્ટેડ પોએટ્સ’માં ‘બહિષ્કૃત ફૂલો’ની તુલનામાં ‘બહિષ્કૃત શૂળો’ની સંવેદનાઓ સવિશેષ નિરૂપાઈ છે. હાલ એ સંગ્રહ પ્રકાશાધીન હોવા એના વિશે વિશેષ વાતો ટાળું છું.
મુખ્ય વાત તો એ કે બહુ ઓછા કવિઓ હોય છે જે ‘સ્વાનુભવ’ને ‘સર્વાનુભવ’માં તબદીલ કરી જાણે છે. નીરવ પટેલ એમાનાં એક છે. નીરવ પટેલની કાવ્યરીતિ મુખ્યત્વે ગદ્ય આધારિત છે. કવિ ગદ્ય પાસેથી શું કામ કરાવી જાણે છે એ જાણવા-પ્રમાણવા પણ નીરવભાઈને વાંચવા રહ્યા. નીરવભાઈ પ્રત્યક્ષ હુમલામાં માનતા હોય તેમ તેમની કવિતાઓ સીધી જ વ્યક્તવિશેષોને ટાર્ગેટ કરતી જોવા મળી છે. ગદ્યકવિતાનો આ જાણતલ ગદ્યમાં પણ વાર્તા અને વિવેચનથી કાર્યરત છે.
નીરવભાઈ જ કહે છે : ‘મને શું, એક એક દલિતને એક ન્યાયી સામાજિક પર્યાવરણ આપી જુઓ અને જુઓ કેવો ચમત્કાર થાય છે. મારે મારી દલિત આઇડેન્ટિટીને સંપૂર્ણપણે બેનકાબ કરી દેવી છે. મારે દંતકથા નથી બનવું. મારે તો માણસ બનીને જીવનના ઉલ્લાસને માણવો છે. મારે બતાવવું છે જ્ઞાતિએ કેટલાં જીવતર રોળી કાઢ્યાં છે. અનેક શક્યતાઓથી સભર માનવીને કેટલો વામણો બનાવી દીધો છે.’
નીરવભાઈની વાત અક્ષરક્ષ સાચી છે. એક માત્ર નીરવ પટેલ જો દલિત કવિતાનો પર્યાય બની રહ્યા હોય તો અનેક નીરવ પટેલો જ્યારે સમાજમાં આવશે ત્યારની વાત કંઈ ઓર જ હશે. પેંથર સમો આક્રોશ ધરાવતા ડૉ. રમેશચંદ્ર પરમાર આપણી વચ્ચે નથી રહ્યા. રમેશભાઈ, નારણ વોરા અને વાલજીભાઈ પટેલની ત્રિપુટીએ પ્રગટાવેલ મશાલોનું અજવાળું ક્રમશઃ ઝાંખુ થઈ રહ્યું છે એનો ખેદ છે. આજે અનેક દલિત કર્મશીલો ઉંમરના એવા વળાંકે છે જ્યાંથી પુનઃ પ્રારંભનું ચઢાણ કપરું દીસે છે.
દલિત સાહિત્યની એ વિડંબના રહી છે કે જે લોકોએ તેને ઉન્નતિના શિખરે બેસાડ્યું તે લોકોની હાજરીમાં જ એ પતનની ગર્તામાં ધરબાઈ રહ્યું છે. આજે દલિત સાહિત્ય દલિત સંજ્ઞાને ત્યજવાના મોહમાં આંબેડકરવાદી સાહિત્ય અને સમ્યક સાહિત્ય એવી નવી અર્થછાયાઓના મૃગજળમાં ધુબાકા મારી રહ્યું છે ત્યારે મને લાગે છે કે નીરવ પટેલ જેવા બુલંદ અને સ્પષ્ટ વૈચારિક ભાથું ધરાવતા સર્જકની નાદુરસ્ત તબિયત ચિંતાસૂચક છે.
સાંપ્રત સમયમાં લલિત સાહિત્ય મોજશોખની ગાજરની પીપૂડી બની રહી છે અને દલિત સાહિત્ય પણ એની વૈચારિક પાયાની અભિવ્યક્તિથી ઊફરું ચાલી રહ્યું છે ત્યારે સાંપ્રત ‘સ્ખલિત’ સાહિત્યમાં તે વળી ‘લલિત’, ‘દલિત’ એવા પ્રકારોનું શું થશે એ રામ જાણે?
ખૈર, અસામાન્ય માનવ-નામ માટેની કવિતાઓમાં શાબ્દિક ક્રીડા જોઈએ, પણ સામાન્ય માનવ અર્થાત્ આમ માટેની કવિતામાં આંતરિક પીડા જોઈએ. નરસિંહની જેમ નાત બહાર રહીને પણ નાતની વાત કરી છે નીરવ પટેલે અને એટલે જે એ માત્ર કોઈ નાત કે કોઈ જાત પૂરતા સીમિત ન રહીને સમગ્ર માનવજાતના કવિ હોવાનું ગૌરવ મેળવી રહ્યા છે. આમ પણ હવેનું સાહિત્ય માત્ર બે ભાગમાં વહેંચાવું જોઈએ. એક ‘સંચિતોનું સાહિત્ય’ અને બીજું ‘વંચિતોનું સાહિત્ય’.
દુઃખની વાત એ છે કે વંચિતોનો વહીવંચો લખનાર ડૉ. નીરવ પટેલ હાલ નાદુરસ્ત છે. એમનાં સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે વીરમું છું.
(નીરવ પટેલની જીવન ઝરમર, વક્તવ્ય, ડૉ. અશોક ચાવડા, 4 મે 2019, ગુજરાત સાહિત્ય અકાદમી)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ